ભાવનગરઃ તાજેતરમાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાવનગર, પાલીતાણા અને શિહોરના ખાનગી ટ્રાવેલ્સની સમાન નંબર પ્લેટ ધરાવતી બસો ઝડપી લેવાઈ હતી. એક નંબર હોવાને પગલે આ રેડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે શબીર અને જયરાજ સિંહ ગોહિલને ઝડપી લીધા છે અને વધુ એક આરોપી ફરાર થઈ ગયો છે. ઈટીવી ભારતે એક નંબર 3 વાહનમાં લગાવીને કઈ રીતે ફાયદો મેળવી શકાય છે તેની માહિતી મેળવી છે.
આવા કિસ્સામાં રજિસ્ટ્રેશન રદ કરાય છેઃ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડેલી 3 બસને પગલે આરટીઓ અધિકારી ઈન્દ્રજીત ટાંકને સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે એલસીબી દ્વારા એક નંબરની 3 બસ પકડવામાં આવી છે તે સમાચાર માધ્યમો મારફતે જાણવા મળ્યું છે. આ બસનું રજિસ્ટ્રેશન અરુણાચલ પ્રદેશનું છે. આવી બસમાં જો ચેસીસ નંબરનું ટેમ્પરિંગ થયેલું હોય તો કાયદા મુજબ તેનું રજિસ્ટ્રેશન રદ થાય છે. ભાવનગરમાં અગાઉ આવો કોઈ બનાવ સામે નથી આવ્યો પણ અમરેલી અને રાજકોટ આ રીતે ગુના નોંધાયેલ છે. બસોના રજિસ્ટ્રેશન પણ રદ થયેલા છે.
RTOના નિયમ પ્રમાણે કેવી કાર્યવાહી કરાય છે?: એલસીબી દ્વારા પકડાયેલી બસોને લઈને આરટીઓ અધિકારી ઈન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે પોલીસ ફરિયાદ થતી હોય છે અને આરટીઓ વિભાગ દ્વારા બસનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે છે. આપણા જિલ્લામાં આજ દિન સુધી 800 જેટલી બસોનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલું છે. જેમાં ખાસ કરીને સ્કૂલ બસ, કંપની બસ અને ટૂરિસ્ટ બસ નોંધાયેલી છે. આરટીઓ દ્વારા હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જેમાં એન્જિન અને ચેસીસ નંબરની ખાસ ચકાસણી કરવામાં આવે છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ પ્રકારના એક નંબરવાળા કોઈ વાહનો વિશે અમને જાણ કરવામાં આવે તો આ પ્રકારનું દૂષણ ડામી શકાય. ગુજરાતમાં સરકાર દ્વારા મોટા વાહનનો અંદાજે ટેક્સ 39,000 અને ઓલ ઈન્ડિયા પરમિટ માટે 3 મહિનાના 90,000 જેટલો ટેક્સ લેવામાં આવે છે.
ભાવનગર જિલ્લામાં 800 જેટલી બસોનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલું છે. જેમાં ખાસ કરીને સ્કૂલ બસ, કંપની બસ અને ટૂરિસ્ટ બસ નોંધાયેલી છે. ગુજરાતમાં સરકાર દ્વારા મોટા વાહનનો અંદાજે ટેક્સ 39,000 અને ઓલ ઈન્ડિયા પરમિટ માટે 3 મહિનાના 90,000 જેટલો ટેક્સ લેવામાં આવે છે...ઈન્દ્રજીત ટાંક(અધિકારી, ભાવનગર આરટીઓ)