ભાવનગર: શહેરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મોહત્સવ અંતર્ગત શહેર ભાજપ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 21મી જાન્યુઆરીના રોજ કુલ 1551 વિદ્યાર્થીઓ એક જ સ્થળે એક જ વેશભૂષામાં બાળરામ બનશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો આ કાર્યક્રમમાં બાળરામ બનશે. બાળકોને રામની વેશભૂષા તેમજ ધનુષ બાણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને ભાવભીનું આમંત્રણ ભાજપે પાઠવ્યું છે. પ્રભુ શ્રી રામને લગતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને નાગરિકો ઉમટી પડવાની સંભવના છે.
સી. આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિઃ 21મી જાન્યુઆરીના રોજ આતાભાઈ ચોકથી રૂપાણી સર્કલ વચ્ચે સાંજે 7.00 કલાકે આ કાર્યક્રમ યોજાશે. જેમાં ભગવાન રામના જીવન પ્રસંગો પણ મોબાઈલ મારફત દર્શાવવામાં આવશે. રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 3 દિવસથી અલગ અલગ ટીમો દરેક સંસ્થાઓને આમંત્રણ આપી રહી છે. આ ઉપરાંત ભજન સંધ્યામાં અનેક ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રભુ શ્રી રામના ભજનો અને ગીતો રજૂ કરવામાં આવશે.
આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત દરેક શહેર અને ગામડામાં વિવિધ ઉજવણીઓ થઈ રહી છે. ભાવનગર શહેર ભાજપ દ્વારા 1551 બાળકોને બાળરામ બનાવવામાં આવશે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો બાળરામ બનશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે...અભય સિંહ ચૌહાણ(પ્રમુખ, ભાવનગર શહેર ભાજપ)
પ્રભુ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા થનાર આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1008 જેટલા વિદ્યાર્થીઓ પ્રભુ શ્રી રામની વેશભૂષા સાથે જોડાવાના છે. ભગવાન રામના વેશભૂષા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉત્સવમાં શિક્ષક, વાલીઓને પણ હાજર રહેવા માટે અમે અપીલ કરીએ છીએ...મુંજાલ બડમલીયા(શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગર)