ભાવનગરઃ ગરમીમાં વેચાતી કેરી અને કેરીમાંથી બનતું અથાણું ગૃહિણીઓ માટે હંમેશા ફાયદેમંદ રહે છે. ઘરની રસોઈમાં ક્યાંક ઉણપ રહી ગઈ હોય તો અથાણું સ્વાદપૂર્તિ કરી દે છે. જો કે આ વર્ષે કેરીની ઓછી આવકને પરિણામે અથાણાંની કિંમતમાં વધારો થયો છે. ETV BHARAT તમને દરેક પ્રકારના અથાણાં અને અથાણાંની કિંમતથી વાકેફ કરશે.
સ્વાદપૂર્તિ કરતા અથાણાંઃ દરેક ઘરમાં રસોઈની સાથે અથાણાં પણ પીરસાતા જોવા મળે છે. જો કે અથાણું બનાવવાની સીઝન આકરી ગરમીની હોય છે. કાચી કેરી આવતા જ દરેક ગૃહિણીઓ પોતાને પ્રિય એવું કેરીનું અથાણું બનાવે છે. રસોઈમાં કોઈ કચાશ કે સ્વાદની ઘટ રહી ગઈ હોય તો અથાણું સ્વાદપૂર્તિ કરી દેતું હોય છે.
ભાવનગરના અથાણાં પહોંચ્યા કચ્છ સુધીઃ ભાવનગર શહેરની જમાદાર શેરીમાં આવેલા જૈન અથાણાં ગૃહમાં મહિલાઓ અન્ય જિલ્લામાંથી પણ ખરીદી માટે આવે છે. અહીં વૃદ્ધ મહિલાઓ પણ અથાણાંની ખરીદી કરતી નજરે પડે છે. કચ્છથી આવેલા દક્ષાબેન આહિરે જણાવ્યું હતું કે, 10 થી 15 રૂપિયાનો ફેર આવે છે બહુ ફેર આવતો નથી પણ ભાવનગરનું અથાણું સારુ આવે છે. તેની ક્વોલિટી સારી આવે છે. હું દર વર્ષે કચ્છથી અહીં ભાવનગર અથાણાંની ખરીદી કરવા આવું છું. અહીં ગોળ કેરી, ગુંદા કેરી જેવા અથાણાં અને બધા પ્રકારની ચટણી પણ મળી છે.
આ વર્ષે માંગ ઘટી અને કિંમત વધીઃ અથાણાં અનેક પ્રકારના જોવા મળે છે. જો કે કેરીમાંથી બનતું ખાટું અને ગળ્યું અથાણું હંમેશા ડીમાન્ડમાં રહે છે. જૈન અથાણાં ગૃહના માલિક નિગમ શાહે જણાવ્યું હતું કે, અમારી પાસે 25 થી 30 જાતના અથાણાં છે. 200 થી 250 રૂપિયા આસપાસ અથાણાંનો ભાવ છે ગયા વર્ષ કરતાં આ વર્ષે અથાણાંની માંગ ઘટી છે જ્યારે કિંમત થોડીક વધી છે કારણ કે, આ વર્ષે કેરીની આવક ઓછી છે અને જે પણ કેરી આવી છે તે પીળી પડી ગયેલી આવે છે તેથી અથાણાંની કિંમતમાં થોડો વધારો થયો છે.
ક્રમ | અથાણું | વજન(ગ્રામ) | કિંમત |
01 | તીખું કેરી | 250 | 50 |
02 | ગોળ કેરી | 250 | 50 |
03 | રજવાડી ગોળ કેરી | 250 | 60 |
04 | ગુંદા | 250 | 50 |
05 | મિક્ષ અથાણું | 250 | 20 |
06 | તીખો મુરબ્બો | 250 | 60 |
07 | ગળ્યો મુરબ્બો | 250 | 60 |
08 | ગાજર | 250 | 60 |
09 | ખજૂર | 250 | 60 |
10 | લાલ મરચા | 250 | 60 |
11 | લીંબુનું ગળ્યું | 250 | 60 |
12 | લીંબુનું તીખું | 250 | 60 |
13 | ચણા મેથી | 250 | 60 |
14 | કેરીનું ખાટું | 200 | 50 |
15 | કેરીની કટકી | 200 | 50 |
16 | ડ્રાયફ્રૂટ મિક્ષ | 200 | 50 |
17 | તીખા આમળા | 200 | 50 |
18 | ગળ્યા આમળા | 200 | 50 |
19 | આદુ-હળદર | 200 | 50 |
20 | રાજસ્થાની લાલ મરચા | 200 | 50 |
21 | લસણ | 200 | 60 |