ભાવનગર : પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળામાં ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભોજન કર્યા બાદ મોટી સંખ્યામાં શાળાના બાળકોને રાત્રી દરમ્યાન ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. બનાવને પગલે મોડી રાત્રે આરોગ્યની ટીમ જામવાળી ગામે દોડી ગઈ હતી. જોકે, સમગ્ર ઘટનામાં કોઈ ગંભીર બાળક હોય તેવું સામે આવ્યું નથી.
જામવાળી ગામની શાળાનો બનાવ : આ અંગે મળતી માહિતી અનુસાર પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળાના 120 બાળકો માટે ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગામના સરપંચ ઉષાબેન લક્ષ્મણભાઈ રાઠોડના પતિએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, શાળાના એક બાળકનો જન્મ દિવસ હોવાથી ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શાક-પુરી અને લાડવા બહારથી લાવવામાં આવ્યા હતા. પરંતુ મોડી રાત થતા કેટલાક બાળકોને સામાન્ય ફૂડ પોઝિશનીંગની અસર થઈ હતી. હાલ સ્થિતિ સામાન્ય છે.
બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર : શાળાના બાળકોને ભોજન કર્યા બાદ ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી, જેથી આરોગ્યની ટીમ દોડી ગઈ હતી. ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ચંદ્રમણીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, જાણ થતા જ આરોગ્યની ટીમ જામવાળી ગામે પહોંચી ગઈ હતી. જ્યાં કુલ 120 જેટલા બાળકો પૈકી 23 બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. બે થી ચાર બાળકોને બોટલ ચડાવવાની ફરજ પડી, જ્યારે અન્ય બાળકોને સામાન્ય અસર હતી. જોકે, ડાયરીયા વધુ પ્રમાણમાં થયા હોવાનું સામે આવ્યું છે.
શાળાના આચાર્ય કર્યો ખુલાસો : જામવાળી ગામે થયેલા બનાવમાં શાળાના આચાર્ય અલકાબેન જોષીએ લેખિતમાં જણાવ્યું હતું કે, શાળાના કર્મચારી બહેનના બાળકનો જન્મદિવસ હોવાથી પાલીતાણાથી દિલીપભાઈ નામના રસોયાને બોલાવવામાં આવ્યા હતા. જેમાં બપોરના સમય બાળકો માટે છોલે-ચણા, પૂરી, પાપડ, સલાડ, મોતીચૂરના લાડવા અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, 120 માંથી 24 જેટલા બાળકોને સામાન્ય અસર થઈ હતી. તેમાંથી ત્રણ બાળકોને બોટલ ચડાવવાની ફરજ પડી. હાલ દરેકને સ્થિતિ સામાન્ય છે.