ભાવનગરઃ શહેરના પૂર્વ મંત્રી પદે રહેલા જીતુભાઈ વાઘાણીના સમયમાં બોરતળાવમાં રાજ્યના પર્યટન વિભાગ દ્વારા કરોડથી વધુના ખર્ચે સાઉન્ડ ફાઉન્ટેન લગાડાયો હતો. સાઉન્ડ સાથે ચાલતો ફુવારો રાજ્યના અન્ય શહેરોમાં છે જેમાં ભાવનગરનું નામ પણ ઉમેરાયું હતું. જો કે લાંબા સમયથી બંધ આ ફુવારો હવે પુનઃ શરૂ થઈ રહ્યો છે.
બોર તળાવનું નયનરમ્ય દ્રશ્યઃ ભાવનગરનું બોરતળાવ સ્થાનિક શહેરવાસીઓ માટે ફરવા લાયક સ્થળ છે. તહેવારોમાં અનેક લોકો પરિવાર સાથે આવે છે. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય મંત્રી પદે હતા ત્યારે પર્યટન વિભાગ દ્વારા 1.91 કરોડના ખર્ચે સાઉન્ડ ફાઉન્ટેન બોર તળાવમાં પાણી વચ્ચે રાખવામાં આવ્યો હતો. આ ફુવારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 26 પ્રકારના સંગીતના સૂર સાથે પાણીની વિવિધ લહેરો બને છે. તળાવમાં રાત્રીના સમયે ફુવારાને ખાસ ચાલુ કરવામાં આવે છે. બંધ ફુવારાનું મેઇન્ટનન્સ રાજ્યના પર્યટન વિભાગ અંતર્ગત થાય છે. જો કે બંધ હાલતમાં રહ્યા બાદ હવે પુનઃ શરૂ કરવામાં આવનાર છે.
ભાવનગર ચોથું શહેરઃ ભાવનગર પહેલા સાપુતારા, રાજકોટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ભાવનગરમાં ચોથો સાઉન્ડ ફાઉન્ટેન નાખવામાં આવ્યો છે. ત્યારે બંધ ફુવારા પગલે પર્યટન વિભાગના ડેપ્યુટી એન્જીનીયર કુલદીપ પાઘડાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ફુવારાને પગલે એજન્સીને કામગીરી સોંપાઈ છે. જેનુ ટેસ્ટિંગ હાલમાં કરવામાં આવ્યું છે. 2-3 દિવસમાં ફુવારાને મહા નગર પાલિકાને સોંપી દેવામાં આવશે. કુલ કિંમત અને મેઈટનન્સ ખર્ચ તો ખ્યાલ નથી પણ 2 દિવસ બાદ જણાવી શકીએ છીએ. ફુવારાને તહેવારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યા છે.