ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના હસ્તક સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાર જેટલા છે. ત્યારે 2017માં નિર્માણ પામેલો કુંભારવાડાનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હવે તોડીને ફરી નવો બનાવવાનો વારો આવ્યો છે. જો કે મહાનગરપાલિકા તેની પાછળનું કારણ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નિયમોને આગળ ધર્યા છે. કેટલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ભાવનગર મહાનગરપાલિકા પાસે છે.
2017માં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું લોકાર્પણ: ભાવનગર શહેરની વસ્તી અંદાજે સાત લાખ કરતા વધારે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ચાર જેટલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરાયેલા છે, જે પૈકીનો કુંભારવાડા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો 2014/15માં તેનો ડીપીઆર તૈયાર કર્યા બાદ 2017 માં તૈયાર થતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 7/6/2017 ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે 2024માં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ફરી તોડીને નવા નિયમ મુજબ બનાવવા માટેનો નિર્ણય કરાયો છે. માત્ર સાત વર્ષમાં પ્લાન્ટને ફરી બનાવવા પાછળના કારણને મહાનગરપાલિકાએ રજૂ કર્યો છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે 2018 બાદ નોમ્સ બદલતા નિર્ણય: ભાવનગર મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર સી સી દેવમુરારીએ જણાવ્યું હતું કે,'કુંભારવાડામાં આવેલા STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું પ્લાનિંગ 20140-15 માં ડીપીઆર બનાવીને કર્યા બાદ 2017 માં નિર્માણ પામ્યો હતો. પરંતુ ત્યાર પછી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તેના નોમ્સ બદલાતા નવા COD અને BOD રજૂ કરવામાં આવતા આ કુંભારવાડાનો STP પ્લાન્ટ ફરી અપગ્રેડ કરવાનો નિર્ણય કરાયો છે. 20 કરોડના ખર્ચે 2017માં 30 MLDનો પ્લાન્ટ તૈયાર કરાયો હતો. જો કે આપણા અન્ય ત્રણ STP પ્લાન્ટ હાલના નવા નોમ્સ પ્રમાણેના છે. કુંભારવાડાનો આ એક પ્લાન્ટ 90 થી 95 કરોડના ખર્ચે 45 MLDનો આગામી દિવસોમાં નવા નિયમ મુજબ બનાવવામાં આવશે.'
2047ના વિકસીત ભારત અંતર્ગત વધુ એક પ્લાન્ટ આયોજનમાં: ભાવનગરના સીટી એન્જિનિયર સી સી દેવમુરારીએ જણાવ્યું હતું કે, 'વિકસિત ભારત 2047 ને ધ્યાનમાં રાખીને હાલમાં કુંભારવાડાના મેઘનગરમાં નવો STP પ્લાન્ટ બનાવવા માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જો કે આ STP પ્લાન્ટ ભાવનગરની આગામી 2047 ની વસ્તીને ધ્યાનમાં લઈને નક્કી કરાયેલા તબક્કા પ્રમાણે બીજા તબક્કાનો પ્લાન્ટ હશે. જો કે તેનું હાલ પ્લાનિંગ ચાલી રહ્યું છે. આપણી પાસે હાલમાં 140 એમએલડીના કુલ ચાર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. તેમાંથી કુંભારવાડાનો નવો નિર્માણ પામશે.'
શું છે BOD અને COD નોમ્સ: ભાવનગર મહાનગરપાલિકાના આયોજન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા 2020 માં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નોમ્સ ચેન્જ કરવામાં આવ્યા છે. જેમાં BOD એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, જેનો નિયમ 20 થી ઓછી માત્રા હોવી જોઈએ તે હવે નવા નિયમ પ્રમાણે 10 થી ઓછી કરવામાં આવી છે. જ્યારે COD એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, કે જે પહેલા 100 કરતાં ઓછી હતી તે હવે 50 કરતાં ઓછી નવા નિયમમાં રાખવામાં આવી છે. આમ નિયમ બદલાયા છે.
આ પણ વાંચો: