ભાવનગરઃ મહા નગર પાલિકા રોડ વિભાગ દ્વારા કરોડો રૂપીયાના રોડ બનાવવામાં આવી રહ્યા છે. વિકાસના નામે કરોડોના કામ થઈ રહ્યા છે પણ તેમાં ગેરરીતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પકડી છે. હા અધિકારીના બદલે અચાનક તપાસમાં ગયેલા પદાધિકારીએ અધિકારીની ફરજ બજાવીને ક્રોસ વેઇટ કરાવ્યું તો પોલ ખુલી ગઈ. હવે કામ રોકવામાં આવ્યું તો કારણ પણ ગજબ સામે આવ્યું છે.

અચાનક વિઝિટ કરીઃ ભાવનગર શહેરમાં ઉત્તર કૃષ્ણનગર વોર્ડ વિસ્તારમાં રસ્તાનું કામ ચાલતું હતું જેને પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ મહા નગર પાલિકાએ હવે કોન્ટ્રાક્ટરની પકડાયેલી ચોરીને કારણે કામગીરી બંધ કરી દીધી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કરેલા ચેકિંગમાં 1 ટ્રકમાં 2 ટન ઓછો ડામર જોવા મળ્યો. જેની એક ટનની કિંમત અંદાજે 3,000 થી 3,500 જેવી છે. આમ 7 ટ્રકમાં 14 ટન જેટલો ડામર ઓછો નીકળ્યો છે. મહા નગર પાલિકાને તેની પાછળનું કારણ પણ જાણવા મળ્યું છે. જો કે રજૂ થયેલા કારણ મુજબ જો ક્રોસ વેટ ના કરાવ્યું હોત તો મહા નગર પાલિકાને નુકસાન થયું હોત તે નક્કી છે. પરંતુ સવાલ એ છે કે શહેરમાં બનતા દરેક રોડમાં શુ ગેરરીતીઓ થતી હશે ?
મધુરમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીને એક કરોડનું ટેન્ડર આપવામાં આવ્યું છે અને તે ત્રણ રોડના કામ કરી રહ્યું છે,ત્યારે એક રોડમાં થતા કામમાં ગેરરીતી સામે આવી. ઉત્તર કૃષ્ણનગર વોર્ડના જોગણી માતાજીના મંદિરથી લઈને ઈબ્રાહિમ મસ્જિદ સુધી રોડનું નિર્માણ કામ ચાલુ હતું. હું પણ ત્યાં ગયો અને ચેકિંગ કર્યુ હતું. જેમાં એક ગાડીમાં 2 ટન ડામર ઓછો નીકળ્યો હતો. આથી અન્ય 5 ટ્રકોમાં પણ તપાસ કરાવતા ડામર 2 ટન ઓછો નીકળ્યો હોવાનું જાણવા મળ્યું. ટેન્ડરની પ્રક્રિયા મુજબ જે કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે. ગુણવત્તાને પગલે કોઈપણ પ્રકારની બાબત ચલાવવામાં આવશે નહીં...રાજુ રાબડીયા(ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, ભાવનગર મનપા)
આપણે ત્યાં સિસ્ટમ એવી હોય છે કે જે એજન્સી હોય તેને પોતાના વેબ્રિજ હોય ત્યાંથી વજન કરી ચીઠી આપતા હોય છે. એ બધું કોમ્પ્યુટરાઈઝ્ડ હોય છે. બાદમાં રોડ પર ડામર કામમાં લેતા હોઈએ છીએ. ચેરમેન દ્વારા પણ જે ક્રોસ વેઇટ કરાવ્યું અને 2 ગાડીમાં ઓછું વજન નીકળ્યું એટલે એ દિવસનો જથ્થો આપણે તે દિવસના કોન્ટ્રાક્ટરના બિલમાંથી બાકાત કર્યો. ઓછા વજન બાબતે વધુ વિગત થી તપાસ કરતા એજન્સીનો વે બ્રિજ છે ત્યાં ઈલેક્ટ્રીકનો ઝટકો આવતા વે બ્રિજનું કેલિબ્રેશન ખોરવાઈ ગયું હતું. જેના કારણે આ ઘટના ઘટી હતી. જો કે તમામ કામ એજન્સીના બંધ કરાવી આપણે હાલમાં કંપનીને જણાવ્યું છે કે કેલિબ્રેશન ઠીક કરાવીને વેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે ત્યારબાદ આગળની કામની કાર્યવાહી શરૂ કરવા દેવામાં આવશે...એન. વી. ઉપાધ્યાય(કમિશ્નર, ભાવનગર મનપા)