ભાવનગરઃ શહેરમાંથી લેવામાં આવતા ખાદ્ય પદાર્થોના નમૂનાનું પરીક્ષણ વડોદરામાં કરવામાં આવે છે. જેથી રિપોર્ટ આવવામાં વિલંબ થાય છે. આ રિપોર્ટ આવે ત્યાં સુધી અખાદ્ય પદાર્થો બેફામ રીતે વેચવામાં આવે છે. તાજેતરમાં જ પનીરના સેમ્પલનું પરીક્ષણ ફેલ આવ્યું છે. આ પનીરના સેમ્પલ 4 મહિના અગાઉ લેવામાં આવ્યા હતા. જે હવે ફેલ આવ્યા જો કે ત્યાં સુધી તો આ અખાદ્ય પનીરનું બેફામ વેચાણ થઈ ચૂક્યું હતું. જો ભાવનગરમાં જ ખાદ્ય પદાર્થોના ચકાસણી માટે લેબોરેટરી બનાવવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે.
રિપોર્ટમાં વિલંબઃ ભાવનગર શહેરમાં કોઈપણ ખાદ્ય ચીજોના સેમ્પલ મહા નગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવે ત્યારે તેનો રિપોર્ટ 20 દિવસથી 2 મહિના વચ્ચે આવતો હોય છે. 4 મહિનાથી નકલી પનીર બનાવતી ફેક્ટરી પકડાય તેનો 2 મહિના બાદ રિપોર્ટ આવ્યો છે. જો કે શહેરમાં લેબોરેટરી નથી કારણ કે ખર્ચાળ હોવાને કારણે મહા નગર પાલિકા રાજ્ય સરકાર ઉપર નભી રહી છે. મતલબ સીધો છે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.
દિવાળી સમયે લીધેલા પનીર સેમ્પલ ફેલઃ ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં 22/10/2023ના રોજ SOG પોલીસે ગોરડ સ્મશાન નજીક ડુપ્લિકેટ પનીર બનાવતી ફેક્ટરી ઝડપી હતી. જેમાં મહા નગર પાલિકાની આરોગ્યની ટીમે સ્થળ પર 108 કિલો પનીરનો જથ્થો નાશ કર્યો હતો. આ પનીરના રિપોર્ટ વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ગોરડ સ્મશાન પાસે નકલી પનીર બનાવતી ફેક્ટરી SOG પોલીસે ઝડપી અને ત્યાંથી લીધેલા સેમ્પલને પરીક્ષણ માટે વડોદરા મોકલવામાં આવ્યા હતા. આ પનીર સેમ્પલમાં વેજીટેબલ ઘીનું પ્રમાણ હોવાનું જાણવા મળ્યું છે...આર. કે. સિન્હા(આરોગ્ય અધિકારી, ભાવનગર મનપા)
રિપોર્ટમાં વિલંબ કેમ થાય છે?: ગુજરાતમાં રાજ્ય સરકારની લેબોરેટરીમાં જ ખાદ્ય ચીજોના સેમ્પલો મોકલવામાં આવે છે અને ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ સ્થાનિક કક્ષાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. જો કે મહા નગર પાલિકા પાસે ભાવનગરમાં લેબોરેટરી નથી. તેમજ હાલ આવી કોઈ લેબોરેટરી બને તેવી જોગવાઈ પણ નથી.
સુરત જેવી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ભાવનગર મનપા પાસે નથી, એટલે ગુજરાત સરકારની લેબોરેટરી ઉપર નિર્ભર રહેવું પડે છે. ગુજરાત સરકારને લેબોરેટરીમાં ઈક્વિપમેન્ટ યોગ્ય હોવાથી અહીં ટેસ્ટિંગ કરાવવું હિતાવહ છે. થોડું પરિણામ આવવામાં વિલંબ જરૂર થાય છે પણ ઘણા રિપોર્ટ આવ્યા બાદ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ પ્રકારની લેબોરેટરી બનાવવા કોઈ જોગવાઈ હાલ નથી...એન. વી. ઉપાધ્યાય(કમિશ્નર, ભાવનગર મનપા)
વડોદરામાં રાજ્ય સરકારની લેબોરેટરી છે. અમદાવાદ અને સુરત જેવી મહા નગર પાલિકા પાસે પોતાની લેબોરેટરી છે. આ લેબોરેટરી ભાવનગર લેવલે ખૂબ ખર્ચાળ છે અને નિભાવ પણ ખર્ચાળ છે. તેથી રાજ્યની લેબોરેટરીમાં સેમ્પલો મોકલવામાં આવે છે. શહેરનું કદ જે રીતે વધ્યું છે ત્યારે આગામી દિવસોમાં તેને લઈને વિચારણા કરવામાં આવશે...રાજુ રાબડીયા(ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, ભાવનગર)