ભાવનગર : દિવાળીની સંધ્યાએ ભાવનગરની મુખ્ય બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. ETV BHARAT ટીમે તહેવારનો માહોલ જાણવા ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં દિવાળી નિમિતે મુલાકાત લીધી હતી. અહીં પાથરણાવાળા, લારીવાળા સહિત આવતા જતા સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. દિવાળીનો માહોલ કેવો છે ચાલો બધા લોકો પાસેથી જાણીએ.
દિવાળીની ધૂમ ખરીદી : ભાવનગરની બજાર દિવાળીની સંધ્યાએ મોટી સંખ્યામાં લોકોની ભીડથી ઉભરાઇ પડી હતી. ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં દિવાળી નિમિત્તે ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં મીઠાઈ, કપડા, રમકડા, ફટાકડાથી લઈને નાની મોટી વસ્તુઓની ખરીદી કરતા લોકો નજરે પડ્યા હતા. ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ખરીદી કરવા શહેરની મુખ્ય બજારમાં આવી રહ્યા છે.
તહેવારમાં મોંઘવારી ન નડી : નોંધનીય છે કે, મોંઘવારીનો માર ખમી રહેલા લોકો તહેવાર સમયે મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. તહેવારમાં જાણો મોંઘવારી નડતી ન હોય તેવું લાગી રહ્યું છે. ગ્રાહકોની સાથે વેપારીઓમાં પણ તહેવારના વ્યાપારના કારણે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મોટાભાગની વસ્તુઓમાં ડિસ્કાઉન્ટ આપી ધૂમ વ્યાપાર કરી રહેલા વ્યાપારીઓની દિવાળી પણ સુધરતી લાગી.