ભાવનગર: ગુજરાતમાં સુરત બાદ ભાવનગર હીરાનું પીઠું કહેવામાં આવે છે, પરંતુ હાલમાં કાચા રફના વધેલા ભાવ અને પોલીસ થયેલા તૈયાર હીરાની માંગ ન હોવાને કારણે હીરા બજાર ઉપર માઠી અસર થવા પામી છે. જો કે, તહેવાર પહેલા જ કેટલાક કારખાનાઓ બંધ થઈ ચૂક્યા છે અને તહેવારમાં સંપૂર્ણ કારખાના વેકેશન રૂપે બંધ થયા બાદ પછી કેટલા કારખાનાઓ ખુલશે તે કેહવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. ડાયમંડ એસોસિએશને પણ કેટલીક શક્યતાઓ દર્શાવી છે. શું છે સ્થિતિ હીરા બજારની જાણીએ.

કારખાનેદાર લોકોની હાલત કફોડી થઈ: હરેશભાઇ વાળા કારખાનેદારે જણાવ્યું હતું કે, નાના કારખાનાની સ્થિતિ તો અત્યારે ખૂબ ખરાબ છે, બે વર્ષની અંદર પ્રોડકશનમાં ઘટાડો 50 ટકા થઈ ગયો છે. કાચી રફના ભાવ વધારે છે, તૈયાર પોલિસીંગના ભાવ આવતા નથી અને અત્યારે માથે દેવું આવે છે. તો કારીગરને શેઠિયા ઘણું ટ્રાય કરે છે, દેવું કરીને કામ આપવાની કોશિશ કરે છે. પણ મારું એટલું જ કહેવાનું છે કે, બાળકોને ફી ભરવાની હોય, કપડા લેવાના હોય, ખરીદી કરવાની હોય, ને જો અત્યારે કારીગર છે તે બીજે જતા ન રહે માટે શેઠિયાઓ લોન લઈને ઉછીના લાવીને કારીગરને સાચવી રહ્યા છે. શેઠિયાઓને લાઇટ બીલના ભાડાના માથે થઈ ગયા છે. આથી આનો કાંઈક રસ્તો નીકળે તેવી અમારી માંગ છે.

કારીગરોની આવક 50 ટકા ઘટી ગય બાદ સ્થિતિ: ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારોમાં ખાસ કરીને રત્ન કલાકારો દ્વારા રોજીરોટી હીરાના વ્યવસાયમાં મેળવવામાં આવે છે. ત્યારે નિર્મળનગર હીરા બજારમાં ઓફિસોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવે છે. જ્યારે જિલ્લામાં મોટી સંખ્યામાં અશિક્ષિત લોકો રોજગારી મેળવી રહ્યા છે.

હાલ હીરા બજારની સ્થિતિને લઈને રત્નકલાકાર ધર્મદાસે જણાવ્યું હતું કે, 'આજથી વર્ષ પહેલા 10 હજાર ઉપરનું કામ કરતો હતો જ્યારે આજે 5 થી 6 હજારનું કામ થાય છે. શેઠિયાઓ ટાઈમે પૈસા આપતા નથી. ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ઉછીના પૈસા લાવીને અમે અત્યારે ઘર ચલાવીએ છીએ.'
તહેવાર પહેલા સ્થિતિ ન સુધારી તો કારખાના બંધ થશે? (Etv Bharat Gujarat)
તહેવાર બાદ સ્થિતિ સુધરી નહિ તો રોજીરોટી છીનવાશે: ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરડીયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં રફ હીરાના ભાવ ખૂબ વધારે છે, જેથી ખરીદી તેટલી થઈ શકતી નથી. જ્યારે બીજી તરફ અહીંયા સ્થાનિક રત્ન કલાકારો પૉલિશ તૈયાર હીરા કરે છે, ત્યારે તેની માંગ એકદમ ઘટી ગઈ છે. આથી કારખાનેદાર મૂંઝાયો છે. જન્માષ્ટમી પહેલા અત્યારથી 20 ટકા કારખાનાઓ બંધ થઈ ચૂક્યા છે. જ્યારે જન્માષ્ટમીના તહેવાર બાદ કેટલા કારખાનાઓ શરૂ થાય તે કહેવું મુશ્કેલ છે. જો બજાર નહીં સુધરે તો મોટા પાયે કારખાનાઓ બંધ રહેશે. એટલે એમ કહી શકાય કે, 20, 30 કે 50 ટકા કારખાના બંધ રહે તો જેટલા ટકા બંધ રહે તેટલા હજાર લોકોની રોજગારી છીનવાશે. કારણ કે ભાવનગર શહેર અને જિલ્લામાં બે લાખ રત્ન કલાકારો અને અન્ય લોકો હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. જો કે યુક્રેન, રૂસ અને ખાસ કરીને ઇઝરાયેલ અને ઈરાનની યુદ્ધની સ્થિતિના પગલે હીરાની બજાર ઉપર સીધી અસર થવા પામી છે.
