ભાવનગરઃ શહેરના સીદસર રોડ પર આવેલી જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સીટી દ્વારા દર વર્ષે ટેકમંજરી ફેરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ટેકમંજરી ફેરમાં યુનિવર્સીટીના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા 100 જેટલા પ્રોજેકટ્સ રજૂ કરવામાં આવ્યા છે. 50થી વધુ શાળાઓએ નિદર્શનનો લાભ લીધો છે. આ ફેર દ્વારા દરેક પ્રોજેકટમાં વિદ્યાર્થીઓની ટેકનોલોજીકલ સ્કિલ મજબૂત કરવાનો પ્રયાસ કરાયો છે.
100 જેટલા પ્રોજેક્ટ્સની રજૂઆતઃ શહેરમાં યોજાયેલ ટેકમંજરી ફેરમાં વિદ્યાર્થીઓએ 100 પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ ફેરમાં ફાર્મસી વિભાગની વિદ્યાર્થીઓએ હર્બલ લિપ્સ બામ, હર્બલ નેઈલ પોલિશ બનાવીને રજૂ કરી છે. બીજી તરફ મિકેનિકલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ બાયો ડીઝલ ટ્રેકટર બનાવ્યું છે. આ પ્રોજેકટ્સ સમાજને ઉપયોગી નીવડે તેવા છે.
અમે હર્બલ લિપ્સ બામ બનાવ્યું છે. આપણે માર્કેટમાંથી લાવતા બામ સિન્થેટિક હોય છે. જે 4થી 5કલાક કામ કરે છે. જ્યારે અમે 7થી 8 કલાક ચાલે તેવું હર્બલ લિપ્સ બામ બનાવ્યું છે. જેમાં ગાજર,બીટ, ટામેટા અને દાડમના રસ જેવી ચીજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે હર્બલ નેઈલ પોલિશ પણ બનાવ્યા છે. જેમાં કપૂર અને ઓઈલનો ઉપયોગ કરાયો છે. આમ આ પ્રોડક્ટ્સમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી...સિદ્ધિ વીરડીયા(વિદ્યાર્થીની, ફાર્મસી વિભાગ, જ્ઞાનમંજરી યુનિવર્સિટી, ભાવનગર)
બાયો ડીઝલથી ચાલતું ટ્રેક્ટર મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. જે દરેક ક્ષેત્રમાં ખેતી કરતા ખેડૂતોની જમીન ઉપર ઉપયોગી થઈ શકે છે. વિદ્યાર્થીઓ દ્વારા ખેડૂતોને ફાયદો થાય તેવા હેતુસર આ ટ્રેક્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે...સંદીપ સિંહ વાળા(સંચાલક, ટેકમંજરી ફેર, ભાવનગર)