ભાવનગર : બોર આપણે શિયાળામાં જોતા હોઈએ છીએ અને તેનો સ્વાદ પણ લેતા હોઈએ છીએ. પણ એ બોર જો સુકવવામાં આવે અને તેનો સ્વાદ માણવામાં આવે તો અલગ સ્વાદનો આનંદ મળતો હોય છે. ભાવનગર જિલ્લામાં અમદાવાદ હાઈવે ઉપર આવેલા એક ગામના પાટીયા પાસે મોટી સંખ્યામાં ગરીબો આકરી ગરમીમાં પણ સુકાયેલા બોર વેચીને પોતાનું પેટીયું રળી રહ્યા છે. જો કે સુકાયેલા બોરની મીઠાશ પણ એવી છે કે તડકામાં ખરીદનારાઓ પણ ઊભા રહી જાય છે.
અમદાવાદ હાઇવે પર સૂકા બોરનો વેપાર : ભાવનગર શહેરથી અમદાવાદ તરફ જવા માટે તમે ધંધૂકા હાઈવે ઉપર નીકળો એટલે વલભીપુર પહેલા ચમારડી ગામ આવેલુ છે. કાળુભાર નદીનો પુલ શરૂ થાય તેની પહેલા વળાંકમાં ઝૂંપડા બાંધીને બેસેલા બોર વેચનારાઓના બોર ખરીદવા આકરી ગરમીમાં પણ લોકો ઊભા રહી જાય છે, પછી બાઈક ચાલક હોય કે કારચાલક. આ બોરની મીઠાશ એવી છે કે તેને જોયા બાદ લોકોનું મન અને પગ ત્યાં થોભી જાય છે. જો કે આ જગ્યા ચમારડી ગામ પહેલા ચોગઠ ગામ તરફ જવાના ઢાળ પાસે આવેલી છે અને જાહેર રસ્તા ઉપર અનેક ગરીબો ઝુંપડા બાંધીને આકરી ગરમીમાં બોર વેચતા નજરે પડે છે.
50થી લઇ 150 રૂપિયાના કિલો : ભાવનગર શહેર અને જિલ્લામાં આમ જોઈએ તો શિયાળામાં લીલા બોર આવતા હોય છે અને પાકેલા બોરનો લોકો સ્વાદ પણ લેતા હોય છે. પરંતુ ભાવનગરના ચમારડી નજીક હાઇવે ઉપર ઝુંપડા બાંધીને વેચતા બોરના ગરીબ પોતાનું પેટીયું ભરવા આકરી ગરમીમાં પણ વેચાણ કરી રહ્યા છે.
આ પાકી ગયેલા બોર હોય ત્યારબાદ લાલ થઈ જાય છે અને પછી અમે તેને સુકવી નાખીએ છીએ. સુકવ્યા બાદ 12 મહિના સુધી અમે તેનો વ્યાપાર કરીએ છીએ. અમારું પેટીયુ ભરીએ છીએ 50 રૂપિયાના કિલો અમે બોર વેચીએ છીએ. રસ્તા પર નીકળતા લોકો તેની ખરીદી કરે છે...મુક્તાબેન (સૂકા બોરના વિક્રેતા )
શબરીના બોર બની ગયા બિસ્કિટ બોર : ચમારડી નજીક કાળુભાર નદીના કાંઠે હાઇવે ઉપર બોર વેચતા ભૂપતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે કાળા કલરના મોટા બોર છે. અમે બોર લાલ થયા બાદ બે મહિના સુધી સુકવીએ છીએ અને ત્યારબાદ તેને પેક કરીને રાખી મૂકીએ છીએ જેનાથી અમારી રોજી રોટી ચાલ્યા કરે છે. આ ઝીણા બોર છે જેને બિસ્કીટ બોર કહેવામાં આવે છે પરંતુ તે હકીકતમાં શબરીના બોર તરીકે ઓળખાય છે. આમ બોરમાં પણ અલગ અલગ પ્રકારો છે અને તેની અલગ અલગ મીઠાશ છે. જેવી રીતે કેસર અને હાફૂસ કેરીનો અલગ અલગ સ્વાદ હોય તે રીતે આમાં પણ અલગ અલગ સ્વાદ હોય છે. અમેં 100 રૂપિયાથી લઈને 150 સુધી અલગ અલગ બોર વેચીએ છીએ.
ક્યાંય નથી મળતા બોર ત્યારે ખરીદનાર શું કહે જાણો : શિયાળામાં પાકી ગયેલા બોર ઠેકઠેકાણે જોવા મળતા હોય છે. પરંતુ શિયાળો ગયા બાદ એજ સુકાયેલા બોર તમારે ખરીદવા હોય તો અચૂક ભાવનગર જિલ્લાના ચમારડી ગામ નજીક આવવું પડે છે. ત્યારે ચમારડી નજીક કાળુભાર નદીના પટ પાસે હાઇવે ઉપર સૂકા બોર વેચતા લોકો પાસેથી ખરીદી કરનાર કિશોરભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે આમ અત્યારે જોઈએ તો રેગ્યુલર લીલા બોર આપણે ખાતા હોઈએ છીએ, પણ સુકા બોર ઓછા જોયા છે. તેથી એમ થયું લેતા જઈએ એટલે હું ઉભો રહી ગયો. આમ તો ક્યાંક મળતા હોય છે પરંતુ ત્યાં 150થી 200 રૂપિયા જેટલો ભાવ હોય છે. આ ગરીબ લોકો માત્ર 50 રૂપિયાથી લઈને 100 રૂપિયામાં બોર વેચે છે અને તે પણ અલગ અલગ હોય છે.