ભાવનગર: ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ધોળા દિવસે બે સગા ભાઈઓ ઉપર ધડાધડ ફાયરિંગની ઘટના ઘટી હતી. ફાયરિંગ રાજુ વેગડ નામના વ્યક્તિએ કર્યું હોવાનું સામે આવ્યું છે. રાહુલ અને યશ નામના વ્યક્તિએ ઘાતક હથિયાર વડે હુમલો કરતા કુલદીપસિંહ ઝાલા નામના યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે ઋતુરાજસિંહ ઝાલા ઇજાગ્રસ્ત હાલતે સારવારમાં છે. સ્થળ ઉપરથી પોલીસને બંદૂકની ખાલી કાર્તિઝ મળી આવી હતી. નોંધાયેલી ફરિયાદ અને બનાવ પગલે પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા છે.
પોલીસે તપાસ હાથ ધરી: ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં બપોરના સમયે એક દિવસ પૂર્વે બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગની ઘટના ઘટી હતી. જેમાં એકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે એક ઇજાગ્રસ્ત હાલતે ખસેડાયો હતો. બનાવ બાદ મૃતકના કાકા મહિપતસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના ભાઈના બે દીકરાઓ કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ જેઓ વિઠ્ઠલવાડીમાં બે માળિયામાં રહેતા રાજુભાઇ વેગડના ઘરે રાહુલ મકવાણાની સાથે અગાવની બોલાચાલી પગલે ગયા હતા. આ દરમ્યાન રાજુ વેગડ બહાર આવી અને પાછળથી રાહુલ મકવાણા અને યશ અલાણીએ આવીને હુમલો કર્યો હતો. જેમાં રાજુ વેગડ પિસ્તોલ જેવા હથિયારથી અને રાહુલ તેમજ યશે ધારીયા અને કોયતા જેવા હથિયારોથી કુલદીપસિંહનું મોત નિપજાવી ઋતુરાજસિંહને ગંભીર ઇજાગ્રસ્ત કર્યા હતા. આમ નોંધાયેલી ફરિયાદ અને બનાવ પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
મામા ભાણીયોએ કર્યું ફાયરિંગ: વિઠ્ઠલવાડીની ફાયરિંગની ઘટનામાં ડીએસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે રાહુલ વેગડ નામનો શખ્સ કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ સાથે કોઇ મનદુઃખ થતા ઝગડો કર્યો હતો. ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રાજુ વેગડ, રાહુલ વેગડ અને યશ અલાણીએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં રાજુ વેગડે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે સ્થળ ઉપરથી બંદૂકની ગોળીની ખાલી ત્રણ કાર્તિઝ મળી આવી હતી. બનાવ બાદ પોલીસે ત્રણેય આરોપી રાજુ વેગડ, રાહુલ વેગડ અને યશ અલાણીને ઝડપી લીધા છે.