ભાવનગર: જિલ્લામાં ગરમીની પરિસ્થિતિ વચ્ચે આગના બનાવો જોવા મળી રહ્યા છે. એવામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવનગરમાં આગના બનાવમાં વધારો નોંધાયો છે, તેમ ફાયર વિભાગનું કહેવું છે. ફાયર વિભાગના કહેવા પ્રમાણે જો તકેદારી રાખવામાં આવે તો આગના બનાવથી બચી શકાય છે. ઉપરાંત દરેક વ્યક્તિ પોતાના ઘરમાં કોઈ ઘટના ન ઘટે તે માટે સાવચેતી રાખે તો આવી ઘટનાને ટાળી શકે છે.
![ગરમીની શરૂઆતથી લઈને આજ દિન સુધીમાં જોઈએ તો ગરમીને કારણે આગ લાગવાની ઘટનામાં પણ વધારો જોવા મળ્યો છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-05-2024/rgjbvn01aagnabanavrtuchirag7208680_24052024140043_2405f_1716539443_1006.jpg)
છેલ્લા બે મહિનાની અંદર 62 કોલ: ઉપરાંત, અહી નોંધનીય બાબત એ છે કે, ભાવનગર શહેરમાં ગત વર્ષ અને ચાલુ વર્ષની ગરમીના તાપમાનના પારામાં પણ તફાવત આવ્યો છે, ત્યારે આગના કિસ્સાઓમાં પણ તફાવત જોવા મળ્યો છે. ફાયર વિભાગના ચીફ ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 220 જેટલા આખા વર્ષના આગના બનાવ બનેલા કોલ હતા. જ્યારે ચાલુ વર્ષમાં માત્ર છેલ્લા બે મહિનાની અંદર 62 જેટલા કોલ આવી ચૂક્યા છે. અને સૌથી મોટી આગની ઘટના પણ ત્રણ જેટલી બનવા પામેલી છે. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કિસ્સાને પગલે લોકોને સમજણ પણ આપવામાં આવે છે.
![ચાલુ વર્ષમાં માત્ર છેલ્લા બે મહિનાની અંદર 62 જેટલા કોલ આવી ચૂક્યા છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-05-2024/rgjbvn01aagnabanavrtuchirag7208680_24052024140043_2405f_1716539443_995.jpg)
વાયરના કેબલોના ગોડાઉનમાં આગ: ભાવનગર શહેરમાં ચાલુ વર્ષમાં સૌથી મોટી આગ શહેરના ગામ તળ વિસ્તારમાં નોંધાઈ હતી. ભાવનગરના ફાયર વિભાગના ચીફ ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાવનગર ગામ તળ વિસ્તારમાં આવેલી હવેલી વાળી શેરીમાં ત્રણ માળના બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે એક વ્યક્તિ ત્યાં ફસાઈ ગયું હતી પરંતુ તેને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. જો કે સંપૂર્ણ ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ. પરંતુ ગામતળમાં બિલ્ડીંગ હોવાને પગલે ફાયર વિભાગના સાધનો પણ પહોંચી શક્યા નહોતા. આમ છતાં ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી. જો કે આગ વાયરના કેબલોના ગોડાઉનમાં લાગી હતી.
![ફાયર વિભાગ દ્વારા આગ કયા-કયા કારણોને લીધે લાગી શકે છે તે વિશે જાણવામાં આવ્યું છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-05-2024/rgjbvn01aagnabanavrtuchirag7208680_24052024140043_2405f_1716539443_142.jpg)
300 જેટલા લોકોને નોટિસ: અહી જાણવા જએવી બાબત છે કે, આગ લાગવા પાછળના વિવિધ કારણો હોય છે. ત્યારે આગ લાગવાને પગલે શું સાવચેતી રાખવી તે મુદ્દે ફાયર વિભાગના ચીફ ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "ખાસ કરીને ફ્રીજ, ટીવી જેવા ઈલેક્ટ્રીક સાધનોનું મેન્ટેનન્સ થતું ન હોય તેમજ જે તે બિલ્ડિંગમાં થયેલા વાયરીંગનું પણ મેન્ટેનન્સ નહીં હોવાને પગલે શોર્ટ સર્કિટથી આગ લાગવાના વધુ કિસ્સાઓ થતાં હોય છે. આથી મેન્ટેનન્સ લોકોએ સમયાંતરે કરતાં રહેવું જોઈએ. જો કે ફાયર વિભાગ દ્વારા ભાવનગરના ગામ તળ વિસ્તારમાં 300 જેટલા લોકોને નોટિસ પાઠવવામાં આવી છે, અને ફાયરના સાધનો વસાવા માટે જણાવવામાં આવ્યું છે. પીજીવીસીએલને પણ લોકોમાં મેન્ટેનન્સ પગલે જાગૃતિ આવે તે દિશામાં કામ કરવું પડશે."