ભાવનગરઃ ગુજરાતમાં સુરત બાદ ભાવનગરમાં હીરા ઉદ્યોગનું હબ ગણાય છે. ભાવનગરમાં હીરા ઉદ્યોગ અંદાજે 1 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. આટલા વિશાળ હીરા વેપારને જો યોગ્ય સરકારી માળખાગત સુવિધાઓ મળી રહે તો તેમાં પ્રાણ ફુંકાઈ શકે તેમ છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ આગામી બજેટને લઈને પોતાની આશા, અપેક્ષા અને આકાંક્ષા રજૂ કરી છે.
ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ડયૂટીમાં ઘટાડોઃ જો હીરા ઉદ્યોગમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ ડયૂટી ઘટે તો વેપારીઓને ફાયદો થાય તેમ છે. જો આ ડ્યૂટીમાં ઘટાડો થશે તો મંદીના વમળમાં ફસાયેલ હીરા ઉદ્યોગ બહાર આવી શકશે.
જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કઃ વર્ષોથી ભાવનગરમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવાની વાતો ચાલી રહી છે. જો ભાવનગરમાં આ ઈમારત તૈયાર થાય તો શહેરમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ ઓફિસો એક પરિસરમાં આવી જાય. જેનાથી હીરા ઉદ્યોગમાં સરળતા આવશે. તેમજ સુરક્ષાને લઈને થતા પ્રશ્નોનું પણ નિરાકરણ આવી શકે તેમ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ભાવનગરમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક સ્થાપવાની વાત થઈ હતી. જો કે હજૂ સુધી ગમે તે કારણોસર આ પાર્કના નિર્માણમાં વિલંબ થતો જાય છે.
રત્નદીપ યોજનાઃ સરકારે હીરા ઉદ્યોગ માટે રત્નદીપ યોજના રજૂ કરી છે. જો કે તેનું સઘન અમલીકરણ થયું નથી. જો આ યોજના યોગ્ય રીતે અમલમાં આવશે તો અનેક લોકોને રોજગારી મળી રહેશે. હીરા ઉદ્યોગ અત્યારે મંદીનો સામનો કરી રહ્યું છે. જો રત્નદીપ જેવી યોજનાઓનું સઘન અમલીકરણ થાય તો આ ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા લાખો લોકોને ફાયદો થાય તેમ છે.
કનેક્ટિવિટી માટે ટ્રેન શરુ થાયઃ હીરા ઉદ્યોગમાં કનેક્ટિવિટી બહુ મહત્વની છે. ભાવનગરથી સુરત અને મુંબઈની સતત કનેક્ટિવિટી મળી રહે તો હીરા ઉદ્યોગમાં સુગમતા આવી શકે છે. હીરા ઉદ્યોગ એસોસિયેશન તરફથી ભાવનગર-સુરત વચ્ચે ટ્રેન માટે 10થી વધુ વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 1995માં કનેક્ટિવિટી માટે પ્લેનની સુવિધા હતી. જે આજે 2023માં જોવા મળતી નથી. તેથી ભાવનગર હીરા ઉદ્યોગને કનેક્ટિવિટીની સમસ્યામાં રાહત મળે તો આ ઉદ્યોગ ફરીથી તેજી તરફ ગતિ કરી શકે છે.
હીરા ઉદ્યોગને બ્લેકલિસ્ટમાંથી બહાર રાખેઃ હીરા ઉદ્યોગને બેન્કો બ્લેકલિસ્ટમાં રાખે છે. જેથી લોન નથી મળતી. લોન ન મળે તેથી સબસિડી પણ નથી મળતી. તેથી જો હીરા ઉદ્યોગની ચમક પાછી લાવવી હોય તો સૌથી અગત્યનું એ છે કે હીરા ઉદ્યોગને લોન સેક્ટરના બ્લેક લિસ્ટમાંથી બહાર રાખવો જોઈએ.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી ભાવનગરમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કની વાતો ચાલી રહી છે. જો આ પાર્ક સમયસર બની ગયો હોત તો આજે ભાવનગરની સ્થિતિ કંઈક જુદી હોત. સુરત તરફ થયેલ માઈગ્રેશન અટકી ગયું હોત અને આજે ભાવનગરમાં હીરા ઉદ્યોગ ધમધમતો હોત...ઘનશ્યામભાઈ(પ્રમુખ, શ્રી ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિયેશન)