ભાવનગર: ભાવનગર શહેરમાં વ્યાજના પૈસાની ઉઘરાણીનો મામલો હત્યા સુધી પહોંચી ગયો હોય તેવી ઘટના સામે આવી છે. ભાવનગરના કાળિયાભીડ વિસ્તારમાં અવાવરૂ જગ્યામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જો કે બનાવ બાદ સાંજ થતા મૃતકના પરિવારે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કેવી રીતે થઈ સમગ્ર ઘટના: ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પારિજાત સ્કૂલવાળા ખાંચામાં જૂની દરબારી સાગવાડીમાં રહેતા પ્રદીપ ઉર્ફે ઘૂઘો ઝવેરભાઈ ડાભીનો મૃતદેહ બોરતળાવની ખુલ્લી જગ્યામાં વહેલી સવારે મળ્યો હતો. જે બાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. નીલમબાગ પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરતા યુવાન પ્રદીપ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભીના હાથ, પગ અને પીઠના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા હતા. આથી પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ હત્યાનો બનાવ બનવા પામ્યો છે, ત્યારબાદ પોલીસે મૃતદેહને સર ટી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો.
બે શખ્સો વિરૂદ્ધ મૃતકના ભાઇએ નોંધાવી ફરિયાદ: બોરતળાવની ખુલ્લી જગ્યામાં પ્રદીપ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભીનો મૃતદેહ હોવાની જાણ બાદ તેના ભાઈને જાણ થતા મૃતકના ભાઈ પરેશ ઝવેરભાઈ ડાભીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેનો ભાઈ પ્રદીપ હીરા ઘસવાનું કામ કરતો હતો અને તેને વિશાલ ભગા સોહલા અને નીરવ દિનેશ ગોહિલ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જે લોકો અવારનવાર ઘરે પણ આવતા હતા. જો કે 11 તારીખના રોજ રાત્રે 10:30 થી 11 કલાકની વચ્ચે તેઓની સાથે ગયા બાદ આજ બીજા દિવસે તેનો મૃતદેહ મળ્યો છે.
વ્યાજની ઉઘરાણી હત્યાનું કારણ: ફરિયાદી પરેશ ઝવેરભાઈ ડાભી એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સમગ્ર બનાવ પાછળનું કારણ તેના ભાઈ પ્રદીપ ઉર્ફે ઘૂઘો ઝવેરભાઈ ડાભીને વિશાલ ભગાભાઈ સોહલા અને નીરવ દિનેશ ગોહિલ પાસેથી વ્યાજે પૈસા લીધા હોય તેની દાજ રાખીને તેની હત્યા નીપજાવી છે.
પોલીસે આપી પ્રાથમિક માહિતી: ભાવનગરના ડીવાયએસપી આર વી ડામોરે જણાવ્યું હતું કે સવારમાં પોલીસને બાતમી મળી હતી કે કાળિયાબીડમાં ગ્રીન ચોકડી પાસે કોઈ અજાણ્યા શખ્સનો મૃતદેહ પડ્યો છે જેને પગલે સ્થળ ઉપર જઈને તપાસ કરતા આ યુવાન પ્રદીપ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભી હોવાનું ખુલ્યું હતું. જેના શરીર ઉપર વિવિધ ઇજાના નિશાનો જોવા મળ્યા હતા. જોકે પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: