ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની કેટલીક જમીનોની અવદશા શું છે કે ત્યાં દબાણ છે કે નહીં તેની ખુદ જાણ મહાનગરપાલિકાને વર્ષો સુધી થતી નથી. ત્યારે ભાવનગરમાં પૂર્વ નગરસેવકે કરાર કરીને મહાનગરપાલિકાની જમીન ભાડે આપી દીધી હતી. એટલું નહીં ભાડું પણ ત્રણ વર્ષથી વસૂલતા રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકાએ હાલમાં પ્રાથમિક નિયમ પ્રમાણે કાર્યવાહી કરી છે પણ આગળ શું થશે ?
પૂર્વ નગરસેવક સેવકનું કૌભાંડ : સરકારી જમીન બરોબર ભાડે આપી અને કરાર પણ કરીને ભાડું છેલ્લા ત્રણ વર્ષથી વસૂલવામાં આવી રહ્યું હતું. અફસોસની વાત છે કે ભાડું વસૂલનાર પૂર્વ નગરસેવક છે. કમિશનરને જાણ થતાં રિઝર્વ જમીન ચકાસવા ગયા અને ભાંડો ફૂટ્યો છે. મહાનગરપાલિકાએ પોતાની જમીનમાં ઉભા ખાનગી મોબાઈલ ટાવરને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
કમિશનર રિઝર્વ જમીન ચકાસવા ગયા અને સામે કૌભાંડ : ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન વી ઉપાધ્યાય ટાઉન પ્લાનિંગ અધિકારી સાથે ફુલસર વિસ્તારમાં મહાદેવનગરમાં આવેલા સરકારી શાળા પાસેની ટીપી 2/A સ્કીમની શોપિંગ સેન્ટરની રિઝર્વ જમીનની ચકાસણી માટે ગયા હતા. સ્થળ પર પહોંચી જમીન ચકાસણી સાથે માપણી કરી હતી. આ દરમ્યાન પ્લોટના અંતે એક ખાનગી કમ્પનીનો મોબાઈલ ટાવર હતો. આ ટાવર માપણી કરતા મહાનગરપાલિકા હદમાં હોવાથી તેના કરારની ચકાસણી કરાવતા કોઈ કરાર ન હોવાને પગલે ટાવર જપ્ત કરવા આદેશ કર્યા હતાં તેમ કમિશનર એન વી ઉપાધ્યાયે જણાવ્યું હતું.
ટાવર ગેરકાયદેસર તો કરાર કોની સાથે થયા : ટીપી સ્કીમ 2/A પર ગયેલા કમિશનરે ખાનગી કંપનીના મોબાઈલ ટાવરની કમ્પનીને જાણ કરતા સુમિત ડીઝીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા લી હોવાનું સામે આવ્યું હતું. કમ્પની પાસે કરારની કોપી માંગતા મહાનગરપાલિકાના કમિશનર ચોંકી ઉઠ્યા હતા. કમિશનર એન વી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ચિત્રા ફુલસરમાં મહાદેવનગરમાં આપણી શાળા આવેલી છે તેની બાજુમાં એક પ્લોટ આવેલો છે. ત્યાં ખાનગી કમ્પનીનો એક ટાવર ઉભો કરવામાં આવેલો છે. આ બાબતની જાણકારી મળતા ભાવનગર મહાનગરપાલિકાની માલિકીની જમીન હોવાથી આ ટાવર ઉભો કરી શકાય નહીં તેથી આ ટાવરને દૂર કરવા સૂચના આપી છે. આ ટાવરના એગ્રીમેન્ટ છે કે કેમ તે તપાસવાની સૂચના અપાઈ છે.
9 હજાર ભાડું લેતા હતાં પ્લોટની બાજુના મકાન માલિક : મહાનગરપાલિકાના જમીન 2021 થી ખાનગી કમ્પનીને ટાવર બનાવવા આપવમાં આવેલી હતી. કમિશનર એન વી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી સામે આવી છે કે 9 હજાર ભાડું આપવાનો કોઈ સુમિત ડીઝીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સાથે કરાર થયેલો છે. અને દર વર્ષે તેમાં 10 ટકા ભાડું વધારવાનો કરાર થયાનો ઉલ્લેખ છે. જે કમ્પની છે તેની પાસેથી વિગતો મંગાવી છે અને મહાનગરપાલિકાને જો કોઈ નાણાં લેવાના નીકળશે તો કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
પુરાવા શું સામે આવ્યાં : ભાવનગર ટાઉન પ્લાનીંગ અધિકારી કે એસ ઝાપડીયા સાથે મૌખિક વાતચીત કરતા તેમણે સુમિત કંપનીએ કરાર કરેલા કાગળો દર્શાવ્યા હતા. કરારના દર્શાવેલ કાગળોમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સૂત્રોના કહેવા મુજબ કરાર કરનાર પૂર્વ નગરસેવક ભાજપના પ્રવીણભાઈ ચાવડા છે. વધુમાં સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે પ્રવીણભાઈએ બે વર્ષ પહેલાં મોબાઈલ કમ્પનીને કરાર કરીને પાવર ઓફ એટર્ની કરી આપી હોવાની વાત પ્રવીણભાઈ મહાનગરપાલિકાને જણાવીને પોતાની ભૂલ જણાવી ચુક્યા છે. જો કે હાલમાં તો મહાનગરપાલિકાએ ગેરકાયદેસર ટાવર ઉભો કરવાને પગલે કાર્યવાહી હાથ ધરી છે. જોવાનું એ રહેશે કે નિયમ પ્રમાણે કાર્યવાહી થશે કે કેમ.