ભાવનગરઃ કૉંગ્રેસના મહામંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલ ભાવનગરના કમલેશ ચંદાણીને પક્ષે સસ્પેન્ડ કર્યા છે. કમલેશ ચંદાણી મહા નગર પાલિકામાં કમિશ્નર સાથે લારી ધારકોની સમસ્યા બાબતે વાટાઘાટો કરતા હતા ત્યારે શહેર કૉંગ્રેસ દ્વારા તેમનો સસ્પેન્શન લેટર જાહેર કરવામાં આવ્યો. કમલેશ ચંદાણીને સસ્પેન્ડ કરતા તેમના પત્ની અને મહિલા કૉંગ્રેસમાં પ્રમુખ એવા પ્રિયંકા ચંદાણીએ પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ચંદાણી દંપતી મુદ્દે અત્યારે કૉંગ્રેસે લીધેલા નિર્ણયને લઈને સાપે સસુંદર ગળ્યા જેવી હાલત થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કૉંગ્રેસે સસ્પેન્ડ કર્યા કમલેશ ચંદાણીનેઃ શહેર કૉંગ્રેસના પૂર્વ મહામંત્રી કમલેશ ચંદાણી ગરીબ લારી ધારકોના પ્રશ્નને લઈને મહા નગર પાલિકાના કમિશ્નર સાથે વાટાઘાટો કરતા હતા. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા તેઓ નિષ્ઠાવાન નહિ હોવાનું અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનું કારણ આગળ ધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ડેલિગેશનની રજૂઆત બાદ કમલેશ ચંદાણીને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું. જો કે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ તેમના પત્ની પ્રિયંકા ચંદાણીએ મહિલા કૉંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. આમ કૉંગ્રેસે સિંધી સમાજના લોકપ્રશ્ને આગળ રહેતા દંપતી નેતાઓને ગુમાવ્યા છે.
ETV BHARAT સાથે કમલેશ ચંદાણીની વાતચીતઃ ETV BHARATએ કમલેશ ચંદાણીની મુલાકાત કરીને તેમના સસ્પેન્શન અને તેમના પત્નીના રાજીનામા પગલે ખાસ વાતચીત કરી છે. જેમાં કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે, મેં 8 વર્ષથી કૉંગ્રેસ માટે કામ કર્યુ છે અને આજે પણ હું એક ડેલિગેશન સાથે કમિશ્નરને 700 થી 800 લોકોની સમસ્યાની રજૂઆત માટે ગયો હતો. ત્યારે જ મને આ સમાચાર મળ્યા કે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મને ખબર નહિ કે પાર્ટીએ આ નિર્ણય કેમ લીધો? ગઈકાલે હું આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સાથે આજ ઓફિસમાં સાથે હતો. જો કે આ ઘટનાથી મને કોઈ ફરક પડતો નથી હું સમાજની સેવા કરું છું અને કરતો રહીશ. એક સેવા કરનાર વ્યક્તિને કોઈના સર્ટિફિકેટની જરૂર ના હોય. ભવિષ્યમાં મારા વેપારી મિત્રો, મારું ગ્રુપ મારી સાથે જ રહેશે. તમામ લોકો આગળની જે રણનીતિ બનાવશે તે મુજબ નિર્ણય કરીશ.
શું સસ્પેનશનનું તાર્કિક કારણ નિમુબેન ?: કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે, ધુળેટી પર્વનો મહોત્સવ એ નગર ધુળેટી મહોત્સવ હતો. જેની અંદર કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને મારા તરફથી ઈન્વિટેશન મોકલવામાં આવ્યું હતું. આ એક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમ હતો. જેમાં તમામ લોકો આવી શકે એમ હતા. આ અગાઉ પણ મેં કાવડ યાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમો કર્યા છે. જેમાં ભાવનગર શહેરના તમામ નેતાઓ ભેગા થયા હતા. આ પર્વે નિમુબેન અને જીતુભાઈ મારા મહેમાન હતા. ઉમેશભાઈ પણ ત્યાં હાજર હતા. તો આ તમામ મારા મહેમાનો હતાને એમને માનસન્માન કરવુંએ મારી ફરજ છે. મહેમાનને તો અમે ભગવાનનો દરજ્જો આપીએ છીએ.
ગણતરીના કલાકોમાં પ્રિયંકા ચંદાણીનું રાજીનામુઃ કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે, આ રાજકીય ષડયંત્ર હોય કે જે હોય જે તે મને આનાથી કશું ફેર નથી પડતો. હું એક સીધો સાદો માણસ છું, સમાજસેવક છું. મારું સોશિયલ વર્ક ચાલતું હતું ચાલે છે અને ચાલતું રહેશે. માલિકની દયા છે. પ્રજાના આશીર્વાદ છે. નગર ધુળેટી કાર્યક્રમમાં પણ હજારો લોકો મારી સાથે હતા. મને હમણાં જાણકારી મળી ગઈ કે મારા પત્નીએ પણ રાજીનામું આપી દીધું છે. 8 વર્ષથી પક્ષ માટે મારા પત્નીએ વોર્ડ પ્રમુખથી લઈને શહેર પ્રમુખ સુધીની ફરજો નિભાવી પક્ષની સેવા કરી છે.
કૉંગ્રેસ પ્રમુખના આંખ આડા કાન: ભાવનગર શહેરમાં કમલેશ ચંદાણીને સસ્પેન્ડ કરાયા બાદ તેમના પત્નીએ પણ રાજીનામું ધરી દીધું છે. આ ઘટના વિશે શહેર કૉંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસનો ટેલીફોનિક સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે, હું બહાર છું અને મારા ઘરે ગેસ્ટ આવ્યા છે. વધુ વાત નહીં કરી શકું. મહેન્દ્ર સિંહએ જે સસ્પેન્શન લેટર મોકલ્યો છે તેમાં સસ્પેન્શનના કારણો દર્શાવેલ છે.