ભાવનગરઃ મહુવા તાલુકાના બગદાણા ખાતે સંત શિરોમણી બજરંગદાસ બાપાના સેવક ગણાતા મનજી બાપા દેવલોક પામ્યા છે. બજરંગદાસ બાપા બાદ બગદાણા આશ્રમનું સંપૂર્ણ સંચાલન મનજી બાપાના હસ્તે કરવામાં આવતું હતું. સુરત ખાતે તેમનું નિધન થતાં રો-રો ફેરી મારફત તેમના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યો છે. મનજી બાપાના નિધનથી ભક્તોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
હાર્ટ એટેકથી નિધનઃ સંત શિરોમણી બજરંગદાસ બાપાના સેવક ગણાતા મનજી બાપાની અચાનક અંતિમ વિદાયથી ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મનજી બાપા સુરત હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મનજી બાપાના પાર્થિવ દેહને ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફત ભાવનગર લાવવામાં આવ્યો છે. પ્રથમ તેમને ઝાંઝરીયા હનુમાનના મંદિર ખાતે પાર્થિવ દેહને દર્શન કરાવવામાં આવ્યા. ત્યાર બાદ તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે બગદાણા આશ્રમ લઈ જવામાં આવ્યો. આજે અને આવતીકાલે બપોરે 3 કલાક સુધી ભક્તો તેમના પાર્થિવ દેહના દર્શન કરી શકશે. આવતીકાલે 3 થી 4 કલાક વચ્ચે તેમના અંતિમ સંસ્કાર બગદાણા ખાતે બગડેશ્વર ખાતે કરવામાં આવશે.
વડા પ્રધાને પાઠવી શ્રદ્ધાંજલિઃ મનજી બાપાના નિધનથી ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. મનજી બાપાને મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. વડા પ્રધાને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. વડા પ્રધાને મનજી બાપા સાથે ફોટો શેર કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કૉંગ્રેસના શક્તિ સિંહ ગોહિલે પણ મનજી બાપાને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી છે.
હું 14 વર્ષની ઉંમરનો હતો ત્યારથી બગદાણા જાઉં છું. મનજી બાપા કહો કે દાદા કહો તેમના વિશે કહેવાના કોઈ શબ્દો નથી. મનજી બાપાએ જે ચાંદીની મૂર્તિ બાપાની બનાવી છે તે ઘણું છે. એક સમયે બાપા જ્યારે હયાત હતા ત્યારે મનજી દાદા પીએસઆઈની પરીક્ષા પાસ થઈ ગયા હતા. ત્યારે ટપાલી આવતો હતો. ટપાલીએ કહ્યું હતું કે મનજી દાદા પીએસઆઈની પરીક્ષામાં પાસ થઈ ગયા છે. ત્યારે બજરંગદાસ બાપાએ કહ્યું હતું કે મનજીભાઈને ક્યાંય જવાનું નથી. તેઓ અહીં રહેશે અને બધા લોકો એને અહીંયા મળવા આવશે...અશોક સિંહ (સેવક, બગદાણા આશ્રમ, ભાવનગર)