ભાવનગર: ભાવનગરના અલંગમાં નીકળતી શિપની ચિઝો ખરીદવા માટેનો આગ્રહ લોકો રાખે છે. ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે.
અલંગમાં ખાડાઓ એટલે પ્લોટસની ભરમાર છે. ત્રાપજ ગામથી અલંગ સુધીનો માર્ગ ખાડાઓથી ભરેલો છે. રસ્તાના બંને તરફ એવા પ્લોટ્સ આવેલા છે. જેમાં દરેક પ્રકારની ચીજ-વસ્તુઓ જોવા મળે છે.
લક્ઝરી ક્રૂઝમાંથી મળતી કિંમતી ચીજવસ્તુઓ: એશિયામાં સૌથી મોટું અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, ત્યારે અલંગમાં શીપમાંથી નીકળતી ચીજ વસ્તુઓનું વહેચાણ નાના પ્લોટ્સમાં એટલે ખાડાઓમાં વહેંચાય છે, કે જેમાં દેશનો કોઈપણ નાગરિક જઈને ખરીદી કરી શકે છે, ત્યારે શીપમાંથી નીકળતી કેટલીક રસોડાની ચીજ વસ્તુઓ મન મોહી લે તેવી છે. ઈટીવી ભારતમાં આજે આપને અલંગમાં લક્ઝરી ક્રૂઝમાંથી મળતી કિંમતી ચીજવસ્તુઓ વિશે અને તેના ભાવ વિશે જણાવીશું.

શિપમાંથી નીકળતી ચીઝ વસ્તુઓની ખરીદી
ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં દુનિયાભરમાંથી લક્ઝરી જહાંજો ભંગાણ માટે આવતા હોય છે. આ શિપને તોડવાની શરૂઆત કરતાં પહેલાં તેમાંથી સારી ચીજ વસ્તુઓને બહાર કાઢીને અલંગના શિપ બ્રેકીંગના પ્લોટમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ સમૂહમાં ચીજ વસ્તુઓની હરરાજી કરવામાં આવે છે.

આ સમગ્ર માહિતી નાના પ્લોટ ધારકોએ ઈટીવી ભારતને પૂરી પાડી હતી. જથ્થાબંધ માલ સામાન ખરીદ્યા બાદ નાના પ્લોટ્સ (ખાડા)માં લાવીને તેને વેચાણ અર્થે મુકવામાં આવે છે અને ત્યારબાદ લોકો દેશ-વિદેશની ચીજ વસ્તુઓ જે જહાજમાંથી નીકળેલી હોય તેને પોતાના ઘરના સુશોભન અને વપરાશ માટે ખરીદી કરીને લઈ જાય છે.

અલંગની ચીજ-વસ્તુઓની ખરીદીનો મોહ શા માટે
ભાવનગરના અલંગમાં અસંખ્ય નાના-મોટા પ્લોટ ધારકો છે. જે પૈકી જગદીશભાઈ નામના એક પ્લોટ સંચાલકે જણાવ્યું હતું કે, તેમની પાસે થાઈલેન્ડ, યુકે વગેરે જેવા દેશમાંથી ભંગાણ અર્થે આવેલા શિપમાંથી નીકળેલી સિરામિક ટાઈપના પથ્થરની માટીમાંથી બનેલી વિદેશની ચીજ વસ્તુઓ છે. જો કે તે સહેલાઈથી તૂટતી નથી એટલે કે તે ટકાઉ હોવાને કારણે લોકો તેની ખરીદી કરવાનો આગ્રહ રાખે છે.

ઓનલાઈન વેપાર
અલંગમાં આવેલા પ્લોટ નંબર 392માં જોવા મળ્યું કે, અહીં રસોડાની વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ જેમ કે કાચના ગ્લાસિસ સિરામિક ટાઈપના માટીના બાઉલ, કપ, ડીસીઝ અને મગ વગેરે જોવા મળ્યું હતું. ત્યારે ત્યાંના સંચાલક જગદીશભાઈએ જણાવ્યું હતું કે, તે લોકો દ્વારા વોટ્સએપમાં પણ ફોટા મોકલીને ઓનલાઇન વેપાર કરી રહ્યા છે, જે કોઈને વોટસએપ દ્વારા મોકલેલા ફોટામાં ચીજ વસ્તુઓ પસંદ પડે છે, તેને ઓનલાઈન ઓર્ડર કરી દેવામાં આવે છે.