ભાવનગર: જિલ્લાના સોમનાથ નેશનલ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ઉભેલા ટ્રકની પાછળ ખાનગી લક્ઝરી બસ વહેલી સવારે ઘૂસી જતા 6 લોકોના મૃત્યું નીપજ્યાં હતાં જ્યારે 22 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. બનાવને પગલે અલંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ ગામથી આગળ બંધ પડેલા રેતી ભરેલા ટોરસ ટ્રકની પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી. જેને પગલે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. જોકે બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા.
મૃતકોના નામ
- ખુશીબેન કલ્પેશભાઈ બારૈયા, મોરંગી ગામ, રાજુલા, ઉંમર 8
- જયશ્રીબેન મહેશભાઈ નકુમ, વાઘનગર, મહુવા, ઉંમર વર્ષ 38
- તમન્નાબેન ભરતભાઈ કવાડ, ગામ માંડણ, રાજુલા, ઉંમર વર્ષ 7
- ગોવિંદ ભરતભાઈ કવાડ, ગામ માંડણ, રાજુલા
- છગનભાઈ કાળાભાઈ બલદાણીયા, રસુલપરા, ગીર ગઢડા, ઉંમર વર્ષ 45
- ચતુરાબેન મધુભાઈ હડિયા, ગામ કોટડી, રાજુલા, 45 વર્ષ
ક્યાં બન્યો બનાવ, ત્રાપજ નજીક, કેવી રીતે ?: સોમનાથ નેશનલ હાઈવે ઉપર બંધ ટોરસ ટ્રકની પાછળ સ્લીપિંગ કોચ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી. આ મુદ્દે અલંગ PSO એ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "વહેલી સવારે 5.30 થી 6:00 કલાકની વચ્ચે ત્રાપજ ગામ પાસે બાયપાસ રોડ નજીક બંધ ટોરસ રેતી ભરેલા ટ્રકની પાછળ સુરતથી ઉના તરફ જતી સ્લીપિંગ કોચ લક્ઝરી બસ ઘૂસી ગઈ છે. સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ જણાવ મળ્યું કે, કેટલાક લોકોના મૃત્યુ થયા છે. ઉપરાંત ઇજાગ્રસ્તોને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ વધુ કામગીરી શરૂ કરવામાં આવી છે."
મોતનો આંકડો અને ઇજાગ્રસ્ત: ટોરસ ટ્રકના પાછળના ભાગે ખાનગી બસ ભટકાઈ જતા ડ્રાઇવરની સાઈડનો બસનો ભાગ ચિરાઈ જવાથી 6 લોકોના મૃત્યુ અને 22 લોકોને ઈજા પહોંચી છે. તળાજા CHC ના સુપ્રિન્ટેેન્ડન્ટ એમ.બી. સાકીયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "તળાજા પાસે અકસ્માતમાં અહીંયા 6 જેટલા મૃતદેહ લાવવામાં આવ્યા છે. 7 થી 8 જેટલા દર્દીઓ સારવારમાં છે. અમને પ્રાથમિક 108 મારફત 9 જેટલા મૃત્યુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કેટલાકને ભાવનગર તો કેટલાકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હોવાનું પણ જાણકારી મળી રહી છે."
જિલ્લા કલેક્ટરે કરી 6 લોકોના મોતની પુષ્ટી: ભાવનગર સોમનાથ હાઇવે ઉપર ત્રાપજ નજીક યોજાયેલા અકસ્માતમાં કુલ 6 લોકોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે 22 જેટલા લોકોને ઇજા થઈ છે, તેમ ભાવનગર જિલ્લાના અધિક કલેકટર એમ.ડી.ગોવાણીએ જણાવ્યું હતું. અકસ્માત બાદ 12 લોકોને તળાજા સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં 6ના અવસાન થયા હતા. જ્યારે અન્ય 9ને તળાજાની સદવિચાર હોસ્પિટલ અને 1 ને નીલકંઠ હોસ્પિટલ તળાજામાં સારવાર માટે લઈ જવા આવ્યા હતા. જો કે 22માંથી 6 મુસાફરોને વધુ સારવારની જરૂરિયાત પડતા તેમને ભાવનગર ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે બે લોકોને રજા અપાઈ છે.
બનાવ બાદ અરેરાટી અને પોલીસ કાર્યવાહી: તમને જણાવી દઈએ કે, ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવે ફોર ટ્રેક બનાવવામાં આવ્યો છે. દરેક ગામ નજીક બાયપાસ રસ્તાઓ પણ છે. ત્યારે ત્રાપજથી તળાજા તરફ જતા ત્રાપજ ગામ પૂર્ણ થતાં જ આવતા બાયપાસ નજીક રેતીથી ભરેલા ટ્રકમાં ખાનગી બસ ઘૂસવાના કારણે અલંગ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના સ્થળે 108 મારફત પણ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે બનેલા બનાવના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં મુસાફર રસ્તા ઉપર પોતાનો માલ-સામાન લઈને બેઠા છે અને ઇજાગ્રસ્તોને 108 મારફત લઈ જતા દ્રશ્યમાન સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો: