ભરૂચ : અંકલેશ્વરમાંથી અંદાજે 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચ્યો છે. દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંકલેશ્વરમાં ચાલતા ડ્રગ્સના કાળો કારોબારનો પર્દાફાશ કર્યો છે.
અંકલેશ્વર GIDC માં રેઈડ : ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ અને 'ડ્રગ ફ્રી ઇન્ડિયા કેમ્પેઇન' હેઠળ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જે અંતર્ગત અંકલેશ્વર GIDC માં તપાસ કરતા મોટી સફળતા મળી છે. અંદાજે પાંચ હજાર કરોડનું કોકેઈન ડ્રગ મળી આવતા બંધ બારણે ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.
5,000 કરોડનું કોકેઈન ડ્રગ : મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારના રોજ ગુજરાતના અંકલેશ્વર GIDC માં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ દરમિયાન અહીં સ્થિત આવકાર ફાર્મામાં 518 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે. આ મામલે દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.
ત્રણ શખ્સ ઝડપાયા : આ મામલે હાલમાં જ દિલ્હી NCB અને ગુજરાત ATS દ્વારા આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અશ્વિન રામાની, બ્રિજેશ કોઠીયા અને વિજય ભેસાણીયાની અટકાયત કરવામાં આવી છે.
મનીષ દોશીના આ મુદ્દે વિચાર: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે તેમના વિચાર જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે, "સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય અને દેશની ભવિષ્યની પેઢીને બરબાદ કરનાર ડ્રગ્સના વેપાર કરનાર ડ્રગ્સના માફિયાઓએ ખુલ્લુ મેદાન મળ્યું છે. અહીં ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકાંઠો ગુજરાત માટે તાકાતની જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે."
એનાથી મોટી કોઈ ઘટના ન હોઈ શકે! તેમણે વધુમાં જણાવ્યું કે, "માત્ર દરિયાકાંઠેથી પણ આ ડ્રગ્સની અવરજવર અન્ય દેશો અફઘાનિસ્તાન, પાકિસ્તાન જેવા દેશોમાંથી ડ્રગ્સ માફિયાઓ દ્વારા થયા એટલું જ નહીં પરંતુ હવે તો પ્રોડક્શન પણ ગુજરાતની કંપનીઓમાં થાય છે. ગુજરાતની ફાર્મા બંધ કંપનીઓમાં ડ્રગસનું મોટા પાયે ઉત્પાદન થાય છે. અને ગુજરાતનાં જે અંકલેશ્વર એશિયાની મોટામાં મોટી ઔદ્યોગિક વસાહત કહેવાય છે ત્યાં સૌથી મોટું 5000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું છે એનાથી મોટી કોઈ ઘટના ન હોઈ શકે."
દેશમાં રોજગાર અંગે પ્રશ્નો ઊભા કરતાં સરકાર તરફ આક્ષેપ સાથે મનીષ દોશી જણાવ્યું કે, "સરકારે દેશના અને ગુજરાતનાં યુવાનોને દર વર્ષે 2 કરોડ લોકોને રોજગાર Aઆપવાનું વચન આપનાર મોદી સરકાર એટલે કે 11 વર્ષમાં 22 કરોડ રોજગાર તો ના આપી પણ નશાનો કારોબાર આપી દીધો છે."
આ પણ વાંચો: