વડોદરા: : ડૉ.હેમાંગ જોષી નામાંકન પત્ર ભરવા ગયા તે પહેલા પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા હતા. તે બાદ ઇસ્કોન મંદિરથી કાર્યકરો સાથે 3 કિલોમીટર ચાલીને કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. ચૂંટણી કચેરીમાં પ્રોટોકોલ પ્રમાણે ત્રણ ધારાસભ્યોને રૂમની બહાર જવું પડ્યું હતું.
મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા: વડોદરા લોકસભાના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ નામ જાહેર થયાના બીજા જ દિવસથી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ડોર ટુ ડોર, ફેરણી, સંકલ્પ યાત્રા અને બાઇક રેલી જેવા અનેક કાર્યક્રમો સાથે તેઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર ખાતેથી તેઓ 3 કિલોમીટર પગપાળા-કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને પોતાનું વડોદરા લોકસભા બેઠક માટે નામાંકન ફોર્મ ભર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકર્તાઓને અગ્રણીઓ જોડાયા હતા.
કુવારીકાઓને સાથે રાખીને નામાંકન ફોર્મ સુપર્ત કર્યુ: વડોદરા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર હેમાંગ જોષી પાસે પોતાનું નામાંકન ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ તેઓના હિન્દુ સંપ્રદાયના સંસ્કારને લઈને તેઓએ પોતાના નામાંકન ફોર્મ ભરતા સમયે ગોત્રી ઇસ્કોન મંદિર ખાતેથી પગપાળા નીકળેલા ઉમેદવારની રેલીમાં કુવારીકાઓને સાથે રાખીને ચૈત્રી આઠમના શુભ દિવસે પોતાનું નામાંકન ફોર્મ સુપર્ત કર્યુ હતું.
રેલીમાં ભારત માતા કી જયના નારા: ડો. હેમાંગ જોષી ઇસ્કોન મંદિરથી પગપાળા ચાલીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા તે સમય દરમિયાન કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો અને કાર્યકર્તાઓ વાજતે-ગાજતે નીકળેલી પગપાળા રેલીમાં ભારત માતા કી જયના નારા લગાવી સમગ્ર માર્ગને ગુંજવી દીધા હતા. આ રેલીમાં કુમારીકાઓ કળશ સાથે જોડાઇ હતી. કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી હતી.
ભાજપના અગ્રણીઓ જોડાયા: નામાંકન ફોર્મ ભરવા માટે માજી. સાંસદ રંજન બેન ભટ્ટ, ધારાસભ્ય કેયુર રોકડીયા, કેતન ઇનામદાર, મનિષાબેન વકીલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત અન્ય ધારાસભ્યો, કાઉન્સિલરો અને ભાજપા અગ્રણીઓ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. નામાંકન ફોર્મ ભરતા કચેરીમાં 4 થી વધુ લોકો ઉપર પ્રતિબંધ હોવાથી કેચેરીમાં ત્રણ ધારાસભ્યો પહોંચી જતાં ચૂંટણી અધિકારીએ ત્રણેય ધારાસભ્યોને કેચેરીની બહાર મોકલી દીધા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓએ ડો. હેમાંગ જોષીની જીત નિશ્ચિત ગણાવી હતી.