અમદાવાદઃ ગુજરાતમાં પ્રવેશનાર ભારત જોડો ન્યાય યાત્રા વિશે પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલે રોડમેપ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, આ યાત્રામાં ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ, ધારાસભ્યો, સંસદસભ્યો, કાર્યકરો જોડાશે. ગુજરાતના પાયાની સમસ્યાઓ જેનું નિરાકરણ લાવવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે તેને ઉજાગર કરવાનો પ્રયાસ આ યાત્રાનો મુખ્ય હેતુ છે.
7મી તારીખે ઝાલોદથી પ્રારંભઃ ભારત જોડો ન્યાય યાત્રાને લઈને શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ યાત્રા 7 તારીખે ઝાલોદમાં પ્રવેશ કરશે. રાહુલ ગાંધીની પહેલી યાત્રામાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી યોજાઈ ત્યારે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. રાહુલ ગાંધીને ઘૂંટણમાં ઈજા થયા બાદ પણ ધર્મ-જાતિથી ઉપર ઊઠીને જનતાના હિત માટે યાત્રા કરી હતી. બીજી યાત્રા મણિપુરથી મુંબઈ સુધી બસમાં તેમજ પેદલ મિશ્ર યાત્રા કરી તમામ તકલીફો બેઠ્યા બાદ પણ પૂર્ણ કરી હતી. તેવામાં ગુજરાતમાં યાત્રા આવી રહી છે ત્યારે ગુજરાતનો એક-એક કાર્યકર્તા આ યાત્રાના થનગનાટનાં જોશમાં છે. કોંગ્રેસનો દરેક કાર્યકર્તા એક પ્રસંગ સ્વરૂપે આ યાત્રાને લઈ રહ્યો છે.
જનતા કોંગ્રેસ તરફીઃ શક્તિ સિંહે ગર્જના કરી હતી કે, ગુજરાતની જનતા કોંગ્રેસ તરફી છે અને ભાજપ વિરુદ્ધ છે. જનતા ભાજપની નીતિથી નારાજ છે અમને ફોન કરીને પોતાની સમસ્યાઓ જણાવે છે. ભારત જોડો ન્યાય યાત્રા જિલ્લાના 6 રૂટમાં જવાની છે અને ગુજરાતને લગતા મુદ્દાઓ યાત્રા દ્વારા લોકો સુધી પહોંચાડવાનું અમે કામ કરીશું. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું ભાજપ રૂપિયા ગણીને ધારાસભ્યો ખરીદવાનું કામ કરે છે. પરંતુ કોંગ્રેસના એવા પણ કાર્યકર્તા છે કે જેને ભાજપ રૂપિયાથી પણ ખરીદી નથી શકતી. અહેમદ પટેલને યાદ કરીને તેઓએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલનાં સમયમાં અમારા ઘણા ધારાસભ્યો ભાજપમાં ગયા હતા પરંતુ 15 જેટલા ધારાસભ્યો ફરી ક્યારેય ચૂંટાઈ શક્યા ન હતા.
ગુજરાતની સમસ્યાને યાત્રા વાચા આપશેઃ યાત્રા વિશે વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, યાત્રા કંબોઈ ધામ ખાતે ગુરુ ગોવિંદ સિંહ મંદિરે, પાવાગઢમાં ચરણસિંહ મંદિર તેમજ બારડોલીમાં સ્વરાજ સ્થળે મુલાકાત લેશે. ગુજરાતના અનેક પ્રશ્નોને યાત્રા દરમિયાન ઉજાગર કરાશે. જેમાં પેપર ફૂટવા, બેરોજગારી, ખેડૂતોના અનેક પ્રશ્નો, સંગ્રહખોરો માલ સંગ્રહ કરી ખેડૂતોને પાયમાલ બનાવી રહ્યા છે વગેરેનો સમાવેશ કરીશું. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા આવેલા માવઠાના કારણે ખેડૂતોની ખૂબ મોટી તારાજી થઈ છતાં ભાજપ દ્વારા એક શબ્દ પણ બોલાયો નથી. ભાજપ માત્ર રૂપિયાના જોડે ધારાસભ્યો ખરીદવામાં રસ ધરાવે છે.