ભાવનગર: જિલ્લાના ડિવિઝનના લોકો પાયલોટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા બે સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા. આ ઘટનાને પગલે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહો અને વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે એક બચાવનો પ્રયાસ સફળ થયો હતો.
સિંહ પરિવારને જોતા લગાવી બ્રેક: ભાવનગર પશ્ચિમ રેલવેના મંડળના નિર્દેશો મુજબ ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને સાથે સાથે વિશેષ સાવધાની પણ રાખી રહ્યા છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડી.સી.એમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 22 જૂન, 2024 શનિવારના રોજ જૂનાગઢ- અમરેલી મીટરગેજ પેસેન્જર ટ્રેનના લોકો પાયલોટે ચલાલા-ધારી સેક્શન વચ્ચે બે સિંહોને રેલ્વે ટ્રેક ઓળંગતા જોય, ત્યારે તેમણે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવી હતી. જેના કારણે બંને સિંહોના જીવ બચી ગયા હતા. સિંહોએ પાટા ઓળંગ્યા બાદ ટ્રેનને લોકો પાયલોટ દ્વારા સ્ટેશન તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ ઘટનાની માહિતી ટ્રેન મેનેજર અને ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને આપી હતી.
લોકો પાયલોટની સૂઝબૂઝ: ભાવનગર પીપાવાવ પોર્ટ નજીક સિંહ પરિવાર ટ્રેનના ટ્રેક પર આવ્યા ત્યારે લોકો પાયલોટે પોતાની સૂઝબૂઝથી ટ્રેનની અચાનક બ્રેક લગાવી અને સિંહ પરીવારનો જીવ બચાવ્યો હતો.આ ઘટના જૂનાગઢ અમરેલી વચ્ચે મીટરગેજ ટ્રેન સાથે થવા થઈ હતી.લોકો પાયલોટની સતર્કતાથી DRM સહિત ઉચ્ચ રેલવે અધિકારીઓએ પ્રશંસા કરી હતી.