સુરત : બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાનું ફેસબુક પર ફેંક એકાઉન્ટ બન્યાનો મામલો સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરતના માંડવી પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ પ્રભુ વસાવાના પુત્રએ ફરિયાદ પણ નોંધાવી દીધી છે.
અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી : બારડોલી લોકસભા બેઠકના સાંસદ અને ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાનું કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ફેંક એકાઉન્ટ ફેસબુક પર બનાવવામાં આવતા હાલ માંડવી પોલીસ મથક ખાતે સાંસદ પ્રભુ વસાવાના દીકરા મિહિર વસાવાએ અજાણ્યા ઇસમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લોકોને અપીલ કરી : 23 બારડોલી લોકસભાના સાંસદ અને ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાનું કોઈક અજાણ્યા ઈસમએ બદઇરાદાથી ફેસબુક પર ફેંક એકાઉન્ટ બનાવ્યું છે. જે જાણ સાંસદ પ્રભુ વસાવાને થતા તેઓએ તરત પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી ફેંક એકાઉન્ટને લઇને માહિતી આપી હતી. કોઈપણ પ્રકારની વાતચીત કે વ્યવહાર ન કરવા લોકોને અપીલ કરી હતી.
લોકસભા ચૂંટણીને લઈ અપપ્રચારની ભીતિ : ત્યારે આગામી દિવસોમાં આવી રહેલ લોકસભા ચૂંટણીને લઈને તેઓને કોઈ નુકશાન ન પહોંચે તે માટે પોલીસ ફરિયાદની પણ તજવીજ હાથ ધરી હતી. હાલ માંડવી પોલીસ મથક ખાતે સાંસદ પ્રભુ વસાવાના પુત્ર મિહિર વસાવાએ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે મારા પિતા પ્રભુ વસાવા જેઓ છેલ્લા બે ટર્મથી 23 બારડોલી લોકસભાના સાંસદ છે.જેથી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે તેમના નામનું ફેંક એકાઉન્ટ કોઈ દ્વારા બનાવવામાં આવ્યું આવ્યું છે. ત્યારે હાલ સાંસદ પ્રભુ વસાવાનું ફેસબુક પર બનેલ ફેંક એકાઉન્ટને લઇને સમગ્ર કેસની તપાસ માંડવી પોલીસ મથકના પીઆઈ એચ. બી. પટેલ કરી રહ્યા છે.
2 ટર્મથી સાંસદ ત્રીજીવાર લડી રહ્યાં છે ચૂંટણી : ઉલ્લેખનીય છે કે 23 બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને આજ બેઠક પર 2 ટર્મથી સાંસદ એવા પ્રભુ વસાવાને ભાજપ દ્વારા સતત 3જી વાર ટિકીટ આપવામાં આવી છે. જેને લઇને તેમણે ચૂંટણી પ્રચાર પણ શરુ કર્યો છે. ત્યારે સાંસદના સોશિયલ મીડિયા થકી તેમની પ્રતિષ્ઠાને હાનિ કરે તેવી પોસ્ટ મૂકાવાની ભીતિના પગલે આ જાણકારી સાર્વજનિક કરવામાં આવી હતી.