બનાસકાંઠા : આમ તો ગુજરાત સરકાર છેવાડાના વિસ્તાર સુધી વિકાસની વાતો કરે છે. ત્યારે બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના રાછેણા ગામની પ્રાથમિક શાળાની તસ્વીર કંઈક અલગ જ વાસ્તવિકતા બતાવી રહી છે. આ શાળાની જર્જરિત સ્થિતિના કારણે સતત ભયના ઓથાર નીચે શિક્ષણ લઈ રહેલા બાળકોના ભવિષ્યની ચિંતા ગ્રામજનોને સતાવી રહી છે.
રાછેણાની શાળા બની ખંડેર : રાછેણા ગામની પ્રાથમિક શાળાની વાત કરવામાં આવે, તો આ 50 વર્ષ જૂની શાળા છે. જેમાં ધોરણ 1 થી 8 સુધીના 333 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળાના 4 વર્ગખંડ જર્જરિત છે, જેના કારણે પાંચ વર્ગના બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે. શાળાને 2022માં જ ડેમેજ જાહેર કરવામાં આવી છે, તે બાદથી નવા મકાનની સતત રજૂઆત કરવા છતાં તંત્ર નિદ્રામાં છે. જેના પરિણામે બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર થયા છે. સરકારના વિકાસના દાવા વચ્ચે તંત્ર આ શાળાને ભૂલી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે.
તંત્રએ વાતને અવળે પાટે ચડાવી : આ અંગે વાવ તાલુકા શિક્ષણ અધિકારીએ સમગ્ર વાતનો છેદ ઉડાવી વાતને અવળે પાટે ચડાવી હતી. તેમણે લાઈટનું બહાનું આપી વર્ગો બહાર બેસતા હોવાનો તર્ક આપ્યો હતો. પણ જ્જરીત રૂમ સામે નવા મકાન ક્યારે તબદીલ થશે એ બાબતે મગનું નામ મરી નહોતું પાડ્યું. રાછેણા પ્રાથમિક શાળાની અંદર બે ભાગ આવેલા છે. બીજા ભાગમાં ત્રણ રૂમ છે, જે રૂમમાં લાઈટના અભાવે બાળકોને બેસાડી શક્યા નથી. શિક્ષણાધિકારીએ કહ્યું કે, બે દિવસમાં લાઈટ આવી જશે અને અત્યારે સાફ-સફાઈ કરવાની સૂચના આપી છે.
જોખમ તળે ભણતા બાળકો : હાલ તો ખુલ્લા આકાશ તળે સતત ભયના ઓથાર હેઠળ શાળા ચાલી રહી છે. પણ જર્જરિત મકાનના કારણે ક્યારે કોઈ મોટી દુધટના ઘટે એ કહેવું અશક્ય છે. વારંવાર અનેક ઘટનાઓ બાળકો સાથે ઘટી રહી છે, છતાં તંત્ર નિદ્રામાં જોવા મળી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર ક્યારે આ નાના બાળકોને નવીન મકાન આપીને ભય મુક્ત બનાવે છે.
વિકાસની વાતોની વાસ્તવિકતા : સરપંચ કિરણસિંહે જણાવ્યું કે, રાછેણા પ્રાથમિક શાળામાં અંદાજે સાડા ત્રણસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 10 શિક્ષકો છે. પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે રૂમ નથી. આજથી 30-35 વર્ષ પહેલા બનાવેલ રૂમ ખંડેર હાલતમાં છે. જેથી વિદ્યાર્થીઓને બહાર બેસી ભણવાનો વારો આવ્યો છે. મીડિયાના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડવા માંગું છું કે અમારી શાળાને નવા રૂમ આપે અને ત્રણ માળનું બિલ્ડિંગ આપવામાં આવે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રૂમ આપવામાં આવ્યા નથી.
- જર્જરીત શાળામાં ભારતના ભાવિનું નિર્માણ કેમ થશે ? જૂની શેઢાવી શાળાના વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ
- પ્રાઇવેટ સ્કૂલને શરમાવતી નવી પારડી "સ્માર્ટ" પ્રાથમિક શાળા, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિનું ઘડતર