અંબાજી : દાંતા એ તાલુકા મથક છે અને આસપાસના નાના મોટા ગામડાઓમાં મુખ્યત્વે આદિવાસી પ્રજાની વસ્તી માટે મુખ્ય મથક છે. ત્યારે સરકાર દ્વારા લોકોને સારવાર મળે તે માટે સરકારી સિવિલ હોસ્પિટલ દાંતા ખાતે વિવિધ ફેકલ્ટીના ડોકટરોની નિમણુક કરાઈ છે. તેમ છતાં ગ્રામ જનો અને આસપાસના લોક સારવાર માટે પાલનપુર જવા મજબૂર બન્યા છે.
વોર્ડ બોય દ્વારા ડિલિવરી : દાંતાના એક સ્થાનિક જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા છે કે દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે વનબંધુઓ અને ગ્રામજનો કોઈ નાની મોટી બીમારી માટે આવે તો તેમને યોગ્ય સારવાર મળતી નથી. તેમ જ ડોકટરો પણ હાજર રહેતા નથી. જ્યારે રાત્રિના સમયે કોઈ ડિલિવરી કેસ આવે તો તે સમયે પણ ગાયનેક કે સર્જન હાજર હોતા નથી. ત્યારે કોન્ટ્રાક્ટ બેઝ નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારી બહેનો કે વોર્ડ બોય દ્વારા ડિલિવરી કરાય છે.
પાલનપુર સિવિલ ખાતે રીફર થાય છે : તે સિવાય કોઈ નાની મોટી બીમારી,અકસ્માત કે ડ્રેસિંગ કરવાનું હોય તેવા કિસ્સામાં પણ સ્ટાફ દ્વારા યોગ્ય સારવાર અપાતી નથી અને પાલનપુર સિવિલ ખાતે રીફર કરાય છે. ત્યારે પ્રશ્ન એ છે કે સરકાર દ્વારા ઊંચા પગાર આપી ડોકટરોને જનસામાન્યની સારવાર માટે રખાય છે તેમ છતાં જો સામાન્ય જનતાને પ્રાઇવેટ હોસ્પિટલ કે મોટા શહેરોમાં રીફર કરવા પડે તો પછી ડોકટરોની નિમણુક અને તેમને અપાતી નિવાસ વગેરેની સ્ટાફ ક્વાર્ટરની સુવિધાનો શું અર્થ છે.
પાયાની સુવિધાઓથી હજી પણ વંચિત : સમગ્ર દાંતા તાલુકામાં બે મહત્વના ગામ છે દાંતા અને અંબાજી. જ્યાં દાંતા એ આદિવાસી વિસ્તાર ધરાવે છે તો અંબાજી ગુજરાતનું સૌથી મોટું યાત્રાધામ છે. તેમ છતાં મેડિકલ જેવી પાયાની સુવિધાઓથી હજી પણ વંચિત છે. નાની મોટી બિમારી માટે પણ જિલ્લામથક પાલનપુરમાં દર્દીઓને રીફર કરવામાં આવે છે અને કેટલાક કેસ તો ભૂતકાળમાં એવાં છે કે રીફર કરતાં સમય દર્દીઓ કાં તો પોતાનો જીવ ગુમાવ્યો છે કે અતિ ગંભીર હાલતમાં પાલનપુર હોસ્પિટલમાં પહોંચતા હોય છે. ત્યારે દાંતાના ગામજનોની એક માગ છે કે દાંતા હોસ્પિટલમાં દર્દીઓને દરેક સુવિધા મળી રહે અને એમને બહાર ન જવું પડે.
સ્થાનિકની રાવ સામે સત્તાતંત્રનો જવાબ : આ અંગે સ્થાનિક વીરભદ્રસિંહ પરમારે જણાવ્યું કે દાંતા રેફરલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર હાજર રહેતા નથી. વારંવાર રજા ઉપર ઉતરી જાય છે. વનબંધુઓ માટે કોઈ સુવિધા નથી. ડોક્ટરો રાતના સમયે પણ હાજર રહેતા નથી. તો દાંતા હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે અમારે અહીંયા બધી મહત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. ડોક્ટર પણ અને મેડિકલ ઓફિસર પણ ઇમરજન્સીમાં ઓન કોલ હોય છે.