બનાસકાંઠા: જિલ્લાના લાખણી ખાતે આવેલ મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની 10 બેઠક તેમજ વેપારી વિભાગની 4 બેઠક માટે મંગળવારના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ હતી અને આવતીકાલે બુધવારે તેનું પરિણામ આવશે. મહત્વની વાત તો એ છે કે, ભાજપ દ્વારા આ ચૂંટણીના ઉમેદવારોને મેંડેડ ફાળવ્યા બાદ ખુદ ભાજપના જ અન્ય કાર્યકરોએ મેંડેડ મેળવનાર ઉમેદવાર વિરુધ્ધ ઉમેદવારી નોંધાવી છે અને પાર્ટીને આ ઉમેદવારોને નોટિસ આપવાની ફરજ પડી છે.
ખેડૂત અને વેપારી વિભાગની બેઠકો માટે ચૂંટણી: ડીસા માર્કેટયાર્ડમાંથી વર્ષ 2016માં વિભાજન થઈને અસ્તિત્વમાં આવેલી લાખણીની મહાત્મા ગાંધી માર્કેટની પ્રથમ બોડી નોમીનેટ થઈ હતી. અને ત્યારબાદ તમામ બેઠકો બિન હરીફ થતાં ચૂંટણી યોજવાની જરૂરિયાત થઈ નહોતી અને આ વખતે આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અસ્તિત્વમાં આવ્યા બાદ ચૂંટણી યોજાઇ રહી છે.1983 મતદારો ધરાવતી લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 21 ઉમેદવાર અને વેપારી વિભાગની 4 બેઠક માટે 6 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
મતપેટીઓને સીલ કરીને સ્ટ્રોંગ રૂમ ખસેડાઇ: મંગળવારના રોજ સવારના 9 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત વિભાગના 1958 મતદારોમાંથી 1940 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે વેપારી વિભાગના 25 મતદારોમાં તમામ મતદારોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આમ લાખણી ખાતે યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કુલ 1983 મતદારોમાંથી 1965 મતદારોએ મતદાન કર્યું હતું. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટીઓને સીલ કરીને લાખણી ખાતે આવેલી ટ્રેઝરી કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખસેડવામાં આવ્યા હતા.
ભાજપ વિરુધ્ધ ભાજપની ચૂંટણી જોવા મળી: લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેને જોતાં આ ચૂંટણી ભાજપ વિરુધ્ધ ભાજપની ચૂંટણી જોવા મળી હતી. ત્યારે લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપમાં સર્જાયેલી આ દરાર આગામી સમયમાં કેટલી વધે છે તે જોવું રહ્યું.
આ પણ જાણો: