કોડિનાર: સોમનાથ જિલ્લાનું કોડીનાર શહેર ફરી એક વખત હિંસક અને શિકારી બનેલા શ્વાનોના હુમલા થી થરથર કાપી રહ્યું છે. આજે વહેલી સવારે 4:00 વાગ્યાના સુમારે કોડીનાર શહેરના બંધ પડેલા રેલવે સ્ટેશન વિસ્તારમાં મજૂરી કરીને ખુલ્લામાં રહેતા સોલંકી પરિવારની ચાર માસની બાળકીને રાત્રિના સમયે શ્વાનો ઉઠાવી જઈને તેનો શિકાર કરી નાખતા તેનું મોત નીપજ્યું છે. જેના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકીના પરિવારજનોએ રાત્રિના સમયે બાળકી ગુમ થઈ જતા તેની શોધખોળ આદરી હતી ત્યારે તેમની બિલકુલ નજીકમાં શ્વાનોએ ફાડી ખાધેલો બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર મામલાની જાણ નગરપાલિકા તંત્રને કરવામાં આવી હતી.
પહેલાં પણ બન્યો હતો આવો બનાવ: કોડીનાર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં થોડા મહિના અગાઉ આવી જ એક ઘટના બની હતી. રેલવે ટ્રેકના છેવાળા ના ભાગે રમી રહેલા બાળકને શિકાર કરવાના ઈરાદા સાથે હુમલો કરતા બાળકનું મોત થયું હતું. ત્રણ મહિનામાં શ્વાનના હિંસક હુમલાની આ બીજી ઘટના છે. કોડીનાર શહેર અને રેલવે સ્ટેશન વિસ્તાર શ્વાનોના હિંસક હુમલા માટે હવે કુખ્યાત બની રહ્યો છે. ત્યારે આવા સમયે કોડીનાર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં શ્વાનોના વધતા જતા હિંસક હુમલાને કાબુમાં કરવા સ્થાનિક લોકોમાં પણ હવે ગણગણાટ શરૂ થઈ રહ્યો છે. કોડીનાર શહેરનું રેલ્વે સ્ટેશન છેલ્લાં ઘણા વર્ષોથી બંધ છે જેને કારણે તે અવાવરુ અને જંગલ જાળી વિસ્તાર જેવું ભાસી રહ્યું છે તેથી આ વિસ્તાર શહેરના શ્વાનોનું આશ્ય સ્થાન બની રહ્યું છે. પરિણામે રાત્રિના સમયે નાના બાળકોને શિકાર બનાવીને શ્વાનો તેને ફાડી ખાતા હોય છે.
બાળકીના પિતાનો વલોપાત: મૃતક માસૂમ બાળકીનું નામ હેતલ અને તે સાડા ચાર માસની હતી. બાળકીના પિતા સુરેશ સોલંકીએ સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું હતું કે, રાત્રિના સમયે તેઓ કુદરતી હાજત માટે ઉઠ્યા હતા ત્યારે તેમની બાળકી જોવા મળી ન હતી. તેથી તેઓ ખૂબ જ ચિંતિત બન્યા હતા અને પરિવારના સભ્યો સાથે બાળકીની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે તેમની નજીકમાં જ ફાડી ખાધેલી હાલતમાં તેમની દીકરીનો મૃતદેહ પડ્યો હતો.