સુરત : બે દિવસ પહેલા સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સ્થિત બાળ આશ્રમ નજીક મળી આવેલી નવજાત બાળકીનું મોત નીપજ્યું છે. સ્થાનિક લોકોની નજર બાળકી પર પડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, મહારાષ્ટ્રની કિશોરીએ સુરત આવીને આ બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં નવજાતને બાળ આશ્રમ બહાર મૂકીને ચાલ્યા ગયા હતા. જે અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્યજી દેવાયેલી બાળકી મળી : બાળકી જ્યારે મળી ત્યારે તેના શરીર પર અનેક કીડીઓ કરડી હતી. બાળકીનો રડવાનો અવાજ સાંભળીને લોકો એકત્ર થઈ ગયા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાળકીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીની સ્થિતિ જોઈ ડોક્ટરોની ટીમે તેની સારવાર શરૂ કરી હતી. બીજી બાજુ બાળકીને કોણ ત્યજીને ગયું હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.
સારવાર દરમિયાન બાળકીનું મોત : બાળકીને જન્મ આપનાર માતા કોણ છે તે અંગેની તપાસ કતારગામ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલ ખાતે આયા તેમજ નર્સો બાળકીની કાળજી લઈ રહી હતી. ઇજા હોવાના કારણે તેને NICU ખાતે દાખલ કરવામાં આવી હતી. જોકે અહીં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું.
બાળકીને ત્યજી દેનાર કોણ ? સુરતના DCP પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, પરિવાર મહારાષ્ટ્રથી સુરત આવ્યું હતું અને નવી સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષીય કિશોરીની ડિલિવરી કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજમાં બદનામી ન થાય તે માટે આ બાળકીને બાળ આશ્રમ પાસે છોડી દેવામાં આવ્યું હતું. હાલ તો આ સમગ્ર પ્રકરણમાં મૃતક બાળકીના માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.