ગાંધીધામ: ગાંધીધામ તાલુકાના ખારીરોહર નજીક બાવળની ઝાડીમાંથી ગુજરાત એ.ટી.એસ.એ કોકેઈનના 13 પેકેટ ઝડપી પાડયા હતા. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત પ્રતિ કિલોગ્રામ 7થી 8 કરોડ રૂપિયા જેટલી માનવામાં આવી રહી છે. ATSએ સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડીને કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. અહી નોંધનીય બાબત એ છે કે, અગાઉ સપ્ટેમ્બર 2023માં મીઠીરોહર પાછળ આવેલ દરિયાની ખાડીમાંથી મળી આવેલા 80 કિલો કોકેઇનના પેકેટ અને આજે મળી આવેલા પેકેટમાં સમાનતા જોવા મળી હતી.
અગાઉ 800 કરોડનું કોકેઇન ઝડપાયું હતું: ગુજરાત એટીએસની ટીમએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કંડલાથી ખારીરોહર બાજુ જતાં માર્ગ પર ક્રિકેટ મેદાનની પાછળ બાવળની ઝાડીમાં જુદી-જુદી જગ્યાએ કોકેઇનના 13 જેટલા પેકેટ મળી આવ્યા હતા. ખારીરોહર ખાતેથી મળી આવેલા 13 પેકેટ અગાઉ મીઠીરોહર પાસેના દરિયાની ખાડીમાંથી મળી આવેલા 800 કરોડના 80 પેકેટમાં સમાનતા જોવા મળી હતી.
FSL રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરાઇ: એ.ટી.એસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી બાદ પૂર્વ કચ્છ એસ.ઓ.જી., એલ.સી.બી. અને સ્થાનિક બી-ડિવિઝનની ટીમો પણ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાં, પ્લાસ્ટિકની થેલીમાં વિંટળાયેલા 13 પેકેટ કબ્જે કર્યા બાદ એફ.એસ.એલ. રિપોર્ટ માટે એફ.એસ.એલના અધિકારીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. આ બાવળની ઝાડીની આસપાસ પણ સ્થાનિક પોલીસ દ્વારા અન્ય પેકેટો શોધવા માટે તપાસ હાથ ધરાઇ હતી.
એટીએસ અને સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી: ઉલ્લેખનીય કે અગાઉ મીઠીરોહરમાં કોકેઇનના 80 પેકેટ મળ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે માહિતી નોંધાઈ હતી. જોકે આજે મળી આવેલા 13 પેકેટોના બનાવ અંગે કોઈ નોંધ કે ફરિયાદ હજુ સુધી નોંધવામાં આવી નથી. આ સીઝર અંગે એ.ટી.એસની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં સતાવાર માહિતી જાહેર કરવામાં આવશે.