વડોદરા : વડોદરાના અટલાદરામાં અગાઉની અદાવતે ચપ્પુના ઘા ઝીંકી એક યુવકની હત્યા કરવામાં આવી. આ ઘટનામાં આરોપીની માતાએ યુવકને પકડી રાખ્યો અને આરોપી પુત્રએ બેરહેમીપૂર્વક ચાકુના ઘા ઝીંક્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે માતા-પુત્ર સહિત ત્રણ લોકો સામે અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
અટલાદરાનો ચકચારી બનાવ : વડોદરા શહેરના અટલાદરામાં સ્થિત ચાણક્યનગરીમાં રહેતા શર્મિષ્ઠાબેન ઠાકોરે આ મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, 9 મે, ગુરુવારના રોજ હું અને મારો ભાઈ પવન તથા મારી માતા રેણુકાબેન સાંજના સમયે ઘરે હતા. રાત્રે પરિવાર સાથે જમ્યા બાદ સાડા નવ વાગ્યે હું અને મારો ભાઈ નીચે ગયા અને અમારા બ્લોક નીચે બેઠા હતા. ત્યાં અમારા ચાણક્યનગરી વુડાના ઘરમાં રહેતા પ્રકાશ સોમાભાઈ રોહિતના લગ્ન હોવાથી ગરબા જોઈ રહ્યા હતા.
જૂની અદાવતે થયો ઝગડો : ફરિયાદીના જણાવ્યા અનુસાર વરરાજાના ભાઈએ જૂની અદાવતમાં ઝઘડો કર્યો હતો. આ સમયે પ્રકાશનો નાનો ભાઈ અજય મારા ભાઈ પવન પાસે રાત્રે અંદાજે 10.30 વાગ્યે આવ્યો હતો. તેણે મારા ભાઈને કહ્યું કે, હોળી-ધુળેટી સમયે મારા ભાઈની બાઈક સાથે કાર એક્સિડેન્ટ થયો હતો, ત્યારે કારવાળાનું ઉપરાણુ લઈને મારા ભાઈ સાથે તે અને તારા મોટા પપ્પાના દીકરાઓએ કેમ ઝઘડો કર્યો હતો ? તું અહીંનો દાદા થઈ ગયો છે, તારી દાદાગીરી વધતી જાય છે. તારા જેટલા માણસો હોય તેટલા માણસો બોલાવી લે. આજે તને છોડીશું નહીં, તેવી ધમકી આપી હતી.
ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા : ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, પ્રકાશ અને તેની માતાએ મારા ભાઈ પવનને પકડી રાખ્યો અને અજયે તેના હાથમાં રાખેલ ચપ્પા વડે મારા ભાઈના શરીરના પાછળના ભાગે ઘા માર્યા હતા. મારા ભાઈને ડાબા ખભા, ગળા અને બરડાના ભાગે તથા માથાના ભાગે ઉપરા-છાપરી ચપ્પાના ઘા માર્યા હતા. જેથી મારા ભાઈને લોહી નીકળવા લાગ્યું અને તે બેભાન થઈને પડી ગયો હતો. તે સમયે ત્યાં મારા મોટા પપ્પા સુરેશ ઠાકોર તેમના દિકરા હાર્દિક અને પાર્થ, મારી માતા રેણુકાબેન તથા મારી મોટી મમ્મી દક્ષાબેન આવી ગયા હતા. જેથી અજય, પ્રકાશ અને તેની માતા હંસાબેન ત્યાંથી ભાગી ગયા હતા.
માતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ : ફરિયાદીએ કહ્યું કે, બાદમાં મારા મોટા પપ્પાએ 108 એમબ્યુલન્સને ફોન કર્યો હતો. એમબ્યુલન્સ આવી જતા મારા ભાઈ પવનને લઇને હું, મારી માતા અને મોટી મમ્મી દક્ષાબેન સયાજી હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં ડોક્ટરે રાત્રે 11.45 વાગ્યે મારા ભાઈને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મેં અટલાદરા પોલીસ સ્ટેશનમાં પ્રકાશ, અજય અને તેની માતા હંસાબેન સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અંગેની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.