ગાંધીનગર: પ્રસિદ્ધ હિન્દી કહેવત "બીના લહેરે ટકરાયે નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહિ હોતી" ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડી હિતાર્થ સોનીએ સિદ્ધ કરી છે. ગાંધીનગરના ખેલાડી હિતાર્થ સોનીએ બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 2 ગોલ્ડ મેળવ્યાં છે. ડિસ્ક્સ થ્રોમાં 21 મીટર અને જેવલીન થ્રોમાં 19.01 મીટર સાથે હિતાર્થ પ્રથમ સ્થાને આવ્યો છે. તેમણે દિવ્યાંગ ખેલાડીઓને નવી પ્રેરણા પૂરી પાડી છે.
ગુજરાતીઓએ ખેલજગતમાં દેશનું નામ રોશન કર્યું: એક સમયે ગુજરાતીઓની "દાળ ભાત" ખાનારા તરીકે રમત-ગમતમાં પસાર હોવાથી મજાક ઉડાડવામાં આવતી હતી. પરંતુ હાલમાં અનેક ગુજરાતી ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતમાં દેશનું નામ રોશન કર્યું છે. ગુજરાતીઓ રમત ગમતમાં પણ કાઠું કાઢી રહ્યા છે. ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીઓ પણ હવે સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ઝળકી રહ્યા છે.
દિવ્યાંગ હિતાર્થે 2 ગોલ્ડ મેડલ મેળવ્યા: ગાંધીનગરના સેક્ટર-23માં પંચવટી સોસાયટીમાં રહેતા હિતાર્થ ધર્મેશકુમાર સોનીએ ગત સપ્તાહ તા.15થી 17 જુલાઈ દરમ્યાન કર્ણાટકમાં બેંગ્લોરના શ્રી કાન્તિર્વા સ્ટેડિયમ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની 13મી જુનિયર એન્ડ સબ જુનિયર નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગુજરાત તરફથી રમવા ગયા હતા. અહીં તેમણે ડિસ્ક્સ થ્રોમાં 21 મીટર ડિસ્ક્સ ફેંકીને અને જેવલીન થ્રોમાં 19.01 મીટર દૂર ભાલો ફેંકીને બંને રમતમાં પ્રથમ સ્થાને વિજેતા બનીને 2 ગોલ્ડ મેડલ્સ મેળવી માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગાંધીનગરનું પણ નામ ઝળકાવ્યું છે.
હિતાર્થ સોનીએ ફિઝીયોથેરાપીની સારવાર લીધી: હિતાર્થ સોની કચ્છના બિદડા ખાતેના સુપ્રસિદ્ધ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રીહેબિલેશન સેન્ટર ખાતે ફિઝિયોથેરાપીની સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા અને રિહેબિલેશન સેન્ટરના ડો.મુકેશ દોશીએ પેરા એથ્લેટિક્સમાં રમતમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી. હિતાર્થ સોનીએ ડો.લોગનાથનના માર્ગદર્શન હેઠળ ડો.અશોક ત્રિવેદી અને ડો. નીતિન પરમારની સારવાર હેઠળ પેરા એથ્લેટિક્સમાં ડિસ્કસ થ્રો, જેવલીન થ્રો અને શોટ પુટમાં રમવાનું શરુ કર્યુ હતું.
ડિસ્ક થ્રોમાં પ્રથમ સ્થાન મેળવ્યું: કચ્છ જિલ્લા તરફથી રમતા તેણે નવેમ્બર-2022માં નડિયાદ ખાતે 45મી સ્ટેટ જુનિયર પેરા એથ્લેટિક્સની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ડિસ્ક્સ થ્રોમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ પછી જાન્યુઆરી-2023માં નડિયાદ ખાતે યોજાયેલી 12મી નેશનલ જુનિયર એન્ડ સબ જુનિયર પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને ડિસ્ક્સ થ્રોમાં 14.42 મીટરના થ્રો સાથે પહેલો નેશનલ મેડલ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હવે તેણે બેંગ્લોર ખાતે ડિસ્ક્સ થ્રો અને જેવલિન થ્રો બંનેમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા છે.
હિતાર્થના કમરના ભાગમાં લકવાની અસર: હિતાર્થ સોનીએ જણાવ્યું કે, તેનો ધોરણ 10 માં ગંભીર અકસ્માત થયો હતો. તેથી તેને કમરમાં ગંભીર ઈજા થઈ હતી. કમરના નીચેના ભાગમાં લકવાની અસર થઈ ગઈ હતી. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અકસ્માત બાદ માનસિક રીતે ભાંગી જતા હોય છે. તેઓ ઉજ્જવલ ભવિષ્યની આશા છોડી દેતા હોય છે. પરંતુ કમરની નીચેનો ભાગ લખવાગ્રસ્ત થયો હોવા છતાં હિતાર્થે હિંમત હારી ન હતી. કચ્છ સર્વોદય સ્કૂલમાંથી હિતાર્થને પેરા એથ્લેટિક્સ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી.
હિતાર્થનું સિલેકશન નડિયાદ સ્પોર્ટસ સ્કૂલમાં થયું: હિતાર્થનું સિલેક્શન ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી સંચાલિત નડિયાદ સ્પોર્ટસ સ્કૂલમાં થયું હતું. બાદમાં તેમણે ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવ્યો હતો. હિતાર્થનું લક્ષ્યાંક આગામી વર્ષે આયોજિત વર્લ્ડ જુનિયર એથ્લેટિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો છે. એશિયન ચેમ્પિયનશિપમાં પણ તેને ભાગ લેવો છે. હિતાર્થે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એક માસ સુધી પથારીમાં રહ્યો હતો. અન્ય લોકોની જેમ ભાંગી પડવાને બદલે હિતાર્થ હિંમત હાર્યો ન હતો. અડધા અંગમાં લખવો મારી ગયો હોવા છતાં તેણે ફિઝિયોથેરાપી કસરત અને ભણવાનું શરૂ રાખ્યું હતું.