અમદાવાદ: લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રાજકોટના એક કાર્યક્રમમાં આપેલા નિવેદન બાદ સતત વિરોધનો વંટોળ સર્જાયો છે. ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ કરવા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ધંધુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા 'અસ્મિતા મહાસંમેલન' યોજવામાં આવ્યું હતું.
પરસોત્તમ રુપાલાના વિરોધમાં ધંધુકા ખાતે 'અસ્મિતા મહાસંમેલન' નું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 5 હજારથી વધુ ક્ષત્રિયો આ મહાસંમેલનમાં હાજર રહ્યા હતા. તો બીજી બાજુ ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ વધુ ઉગ્ર બની રહી છે. આ દરમિયાન કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે 9 એપ્રિલે ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરી છે. રાજ શેખાવતે તમામ ક્ષત્રિયો અને સમર્થકોને કેસરિયા ઝંડા અને ડંડા સાથે ગાંધીનગર પહોંચવા હાકલ કરી છે.
કેમ થઈ રહ્યો છે વિરોધ:
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ કહ્યું હતું કે, મહારાજાઓએ નમીને રોટી-બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહોતો, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે. જો કે વીડિયો વાયરલ થતાં પરશોત્તમ રુપાલાએ દિલગીરી વ્યક્ત કરી હતી. જો કે રાજપૂત સમાજે રૂપાલાની આ માફી પણ ક્ષત્રિય સમાજને મંજૂર ન હોય તેમ રૂપાલાની ટિકિટ રદ્દ કરી અન્ય કોઈને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.