કચ્છ: આજના આધુનિક યુગમાં દિવસેને દિવસે ઊર્જાની જરૂરિયાત વધી રહી છે. જેના પરિણામે ઊર્જાની ખપતને પહોંચી વળવા માટે સોલાર ઊર્જા એક સરળ વિકલ્પ છે. કચ્છ જીલ્લામાં મોટી માત્રામાં લોકો સૌર ઊર્જા પ્રત્યે જાગૃત થયા છે અને સોલાર રૂફ્ટોપ સુવિધા અપનાવી રહ્યા છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16503 જેટલા ગ્રાહકોએ સોલાર સિસ્ટમ અપનાવી છે.
કચ્છ જીલ્લામાં બે સર્કલની અંદર PGVCL નું કાર્ય: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભુજ સર્કલના ડેપ્યુટી એન્જિનિયર નીરવ ઠકકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં આજના દિવસે 103 મેગાવોટની સૌર ઊર્જા ઉત્પાદીત થઈ રહી છે. કચ્છ જીલ્લામાં બે સર્કલની અંદર PGVCL નું કાર્ય થઈ રહ્યું છે, જેમાં ભુજ સર્કલના ઘર વપરાશ અને કોમર્શિયલ વપરાશ મળીને 10620 જેટલા લોકો દ્વારા સોલાર સિસ્ટમ અગાશીઓ પર લગાડવામાં આવી છે. તો પૂર્વ કચ્છના અંજાર સર્કલમાં ઘર વપરાશ અને કોમર્શિયલ વપરાશ મળીને કુલ 5883 જેટલા લોકો દ્વારા સોલાર સિસ્ટમ અપનાવવામાં આવી છે.
"પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મુફ્ત બીજલી યોજના: ઉલ્લેખનીય છે કે, કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીને કારણે પર્યાવરણને હાની પહોંચે છે, માટે છેલ્લાં 4 વર્ષથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ ગ્રીન એનર્જીના ઉત્પાદન પર વધુ ભાર મુક્યો છે. તો હાલમાં જ 23 જાન્યુઆરી 2024થી સરકાર દ્વારા સોલાર રૂફટોપ યોજના અમલમાં મુકવામાં આવી છે જેનું નામ છે, "પ્રધાનમંત્રી સૂર્ય ઘર :મુફ્ત બીજલી યોજના". કચ્છ જીલ્લામાં અત્યાર સુધીમાં ભુજ સર્કલમાં 10620 વપરાશકર્તાઓ અને અંજાર સર્કલના 5883 જેટલા વપરાશકર્તા દ્વારા સૌર ઊર્જાના વપરાશ માટે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે.
ઉર્જા ખર્ચમાં બચત: ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં સોલાર પેનલના સ્થાપન માટે સબસીડી પણ આપવામાં આવે છે. આજે ફયુલની કિંમત દિવસેને દિવસે વધી રહી છે, જેના કારણે વીજળીની ખપત વધી છે અને તેની પણ કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. રૂફ્ટોપ સોલાર પીવી પેનલ્સ મારફતે વીજળી ઉત્પાદિત થતી હોય છે, જેથી કરીને વીજળી ખરીદવાની જરૂર ઓછી રહે છે, જેનાથી ઉર્જા ખર્ચમાં બચત થાય છે.
વીજળીના બીલની ઝંઝટમાંથી મુક્તિ: ગ્રીન એનર્જીથી નાના અને મધ્યમ ઘરના લોકોને આર્થિક રીતે પણ ફાયદો થઈ રહ્યો છે અને વીજળી બીલ શૂન્ય થઈ રહ્યા છે.પર્યાવરણની જાળવણી માટે પણ સોલાર રૂફટોપ યોજના મહત્ત્વની સાબિત થઈ રહી છે. લોકો પણ સોલાર સિસ્ટમના લીધે વીજળીના બીલની ઝંઝટમાંથી મુક્તિ મેળવી રહ્યા છે.
સરકાર તરફથી સબસીડી: સોલાર પેનલ લગાડવા માટે સરકાર તરફથી સબસીડી પણ આપવામાં આવી રહી છે. જેમાં 3 કિલો વોટ સુધીમાં 78000 ની સહાય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. 3 કિલો વોટ સુધીના સોલાર સિસ્ટમનો ખર્ચ 1.50 લાખથી 1.70 લાખ જેટલો થાય છે જેમાં 78000 રૂપિયાની સબસિડી સરકાર સોલાર સિસ્ટમના ઇન્સટોલેશન બાદ જમાં કરે છે. આમ 92000 જેટલા રૂપિયામાં સોલાર પ્લાન્ટ ઘરે લગાડી શકાય છે. તો 3.5 થી 4 વર્ષની અંદર 92000 રૂપિયાનું કરેલ રોકાણ 0 લાઈટ બિલના રૂપે પરત આવે છે, અને ત્યાર બાદ મફત વીજળી મેળવી શકો છો.
વાર્ષિક 6000 જેટલી રકમ બેંક ખાતામાં જમા: સોલાર રૂફટોપ પોતાના ઘરે લગાડનાર રણછોડભાઈ આહિરે જણાવ્યું હતું કે, સોલાર સિસ્ટમના લીધે લાઈટ બિલ શૂન્ય થઇ ગયું છે. તેમના ઘરે 3 કિલો વોટનું સોલાર સિસ્ટમ લગાડવામાં આવ્યું છે. જેનાથી પ્રતિદિન 18 યુનિટ જેવા જનરેટ થઈ રહ્યા છે.જે પૈકી તેમના ઘરનું વપરાશ 8 થી 10 યુનિટ જેટલું છે. આમ 8 જેટલા યુનિટની બચત થાય છે. બચેલા યુનિટનો વાર્ષિક હિસાબ કરતા વાર્ષિક 4000થી 6000 જેટલો ફાયદો થાય છે અને બેંક ખાતામાં આ રકમ જમા કરવામાં આવે છે.
3 વર્ષમાં રોકેલ મૂડી ફ્રી: સોલાર સિસ્ટમનાથી લાઈટ બિલ 0 થઈ જવાના કારણે વાર્ષિક ગણતરી કરવામાં આવે તો દર 2 મહિને બિલ આવતું હોય છે, ત્યારે સરેરાશ 4000 રૂપિયાના 6 બિલ ગણવામાં આવે તો 24000 જેટલું બિલ વાર્ષિક બચે છે, ઉપરાંત યુનિટની બચના 6000 જેટલા રૂપિયા ખાતામાં જમાં થાય છે. આમ વાર્ષિક 30,000 રૂપિયાની બચત થાય છે. માટે જે સબસિડી બાદ કર્યા પછી 92000 રૂપિયાનો ખર્ચ છે તે 3 વર્ષની અંદર ફ્રી થઈ જાય છે અને 3 વર્ષ બાદ રોકાયેલ મૂડી ફ્રી થઈ જાય છે.
જાળવણી ખર્ચ પણ શૂન્ય: ખાસ કરીને કચ્છ અને કાઠિયાવાડ વિસ્તારમાં સૂર્યના કિરણો છે, તે સીધા સોલાર સિસ્ટમ પર પડે છે. જેના કારણે વધુમાં વધુ ઊર્જા ઉત્પન્ન થાય છે. આગામી સમયમાં ખેડૂતો પણ સોલાર લગાડીને ખેતી કરીને મબલખ કમાણી કરશે. આ સોલાર પ્લાન્ટમાં મેઇન્ટટેનન્સ પણ નથી હોતું. માત્ર 15- 20 દિવસે પાણીથી પેનલ ધોઈને ધૂળ સાફ કરવાની હોય છે.