જૂનાગઢઃ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપનો ભરતી મેળો આગળ વધી રહ્યો છે. આ ભરતી મેળો હવે પ્રદેશ કાર્યાલય કમલમથી બહાર જે તે વિધાનસભા મત વિસ્તારમાં યોજાવા જઈ રહ્યો છે. 3જી ફેબ્રુઆરીએ વિસાવદર વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપનાર ભુપત ભાયાણી ભેસાણ ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની હાજરીમાં ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તે જ દિવસે કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એક વખત ભાજપ માં ઘર વાપસી કરી રહ્યા છે. આજે કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને પૂર્વ ધારાસભ્ય લાડાણી એ ભાજપમાં ઘર વાપસી કરવાનો નિર્ણય કર્યો છે.
લોકસભા ચૂંટણી સંદર્ભે ઘરવાપસીઃ જૂનાગઢ જિલ્લાની પાંચ પૈકી કેશોદ વિધાનસભા પોરબંદર લોકસભા મત ક્ષેત્રમાં આવે છે. અહીં કોળી અને કડવા પાટીદાર મતદારોનું વિશેષ પ્રભુત્વ છે. આ સ્થિતિમાં ભાજપે તમામ લોકસભા બેઠકો 5 લાખના અંતરથી જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જેને પૂર્ણ કરવા માટે નાનામાં નાના કાર્યકરથી લઈને સર્વોચ્ચ નેતાની ઉપયોગીતા નક્કી કરાઈ રહી છે. તેથી આ સમયે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં જવાનો નિર્ણય કરી રહ્યા છે. તેમની સાથે તેમના ટેકેદારો પણ ખૂબ મોટી સંખ્યામાં 3જી તારીખ અને શનિવારના દિવસે ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે.
કૉંગ્રેસીઓ ભાજપ ભેગા થશેઃ 3જી તારીખે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કેશોદ આવી રહ્યા છે. કેશોદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાઈ શકે છે. તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશ્વિન ખટારીયાને પ્રમુખ પદેથી દૂર કરાતા તેઓ નારાજ થયા છે. આજે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. તેઓ પણ તેમના કાર્યકર્તાઓ સાથે 3જી તારીખે ભાજપમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે. વધુમાં પાટીદાર યુવાન નેતા સમીર પાંચાણી પણ પક્ષથી નારાજ થઈને ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ વેગવંતી બની છે. સમીર પાંચાણી એ પણ કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે.
3જી તારીખે ઘરવાપસીઃ કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરીથી ભાજપમાં જોડાવા સંદર્ભે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી બાદ કાર્યકરો દ્વારા ફરીથી ભાજપમાં જોડાવાની વિનંતી કરાઈ હતી. કાર્યકર્તાઓની આ માંગ પ્રદેશ ભાજપના અગ્રણીઓ સુધી પહોંચી. અગ્રણીઓ દ્વારા પણ તમામ કાર્યકર્તાઓને ફરી એક વખત ભાજપમાં સામેલ કરવાને લઈને માર્ગ મોકળો કરાયો છે. આમ, હવે અરવિંદ લાડાણી આગામી 3જી તારીખે ફરીથી ભાજપમાં જોડાઈ રહ્યા છે.