સુરત: આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP) અંતર્ગત સુરત જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદાનમાં મતદારોની સહભાગિતા વધે એ માટે સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકો થકી વાલીઓને મતદાન માટે સંકલ્પબદ્ધ કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી.
આ ઝુંબેશ અંતર્ગત વાલીઓ 'હું વોટ કરીશ'નાં સંકલ્પપત્રો ભરી અચૂક મતદાન કરવા માટે સંકલ્પ લઇ રહ્યા છે. જેમાં વિવિધ શાળાઓના ૧ લાખ ૯૪ હજાર ૪૭૯ વિદ્યાર્થીઓએ મતદાન સંકલ્પપત્રો પરિવારના સભ્યો મારફત ભરાવી/વંચાવી શાળા કક્ષાએ પરત કર્યા છે અને ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા વિદ્યાર્થીઓએ બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા અદા કરી છે. જેના પરિણામે આગામી ચૂંટણીમાં સુરત જિલ્લામાં મતદાનનું પ્રમાણ વધશે અને મહિલા મતદારોના મતદાનમાં પણ નોંધપાત્ર વધારો થશે.
ઉલ્લેખનિય છેકે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઠેર ઠેર ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવી છે.