બનાસકાંઠા: જો તમે પણ આંગણીયા પેઢીમાં કામ કરતા હોય અને આંગડિયા પેઢીની રોકડ રકમ ભરેલી બેગોની હેરાફેરી કરતા હોય તો ચેતી જજો. કારણ કે, તમારા સાથે પણ આવી ઘટના ઘટી શકે છે. કેમ કે, તાજેતરમાં જ ડીસામાં આવી ઘટના બની છે. આંગડિયા પેઢીના કર્મચારીઓને ખબર નહોતી કે કોઇ તેમની રેકી કરી રહ્યું છે.
રેકી કરીને આરોપીઓએ કરી લૂંટ: આરોપીઓથી અજાણ કર્મચારીઓ શેઠના ઘરેથી રોજ રોકડ રુપિયા લઇને ઓફિસ સુધી લઇ જતા હતા. લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓ ઘરેથી કેટલા વાગે નીકળે છે, ક્યાં રસ્તે જાય છે તેની સમગ્ર માહિતી મેળવી હતી ત્યાર બાદ લૂંટનો પ્લાન ઘડાયો હતો. લૂંટની ઘટનાનો પ્લાન ઘડાયો. પરંતુ કર્મચારીઓને ડરાવવા માટે હથિયાર ક્યાંથી લાવવું, જે માટે આરોપીઓએ અમદાવાદ સાબરમતી જેલના એક કેદી કિશોર લુહારનો સંપર્ક કર્યો હતો. આ આરોપીઓને મધ્યપ્રદેશના ટીલુ તોમરે લૂંટ માટે દેશી બનાવટની બંદૂકની વ્યવસ્થા કરી આપી હતી.
પોલીસે લૂંટના 7 આરોપીઓને ઝડપી લીધા: લૂંટના પ્લાન મુજબ આરોપીઓએ તા. 14 ઓક્ટોબરના રોજ શેઠના ઘરેથી રોકડ રુપિયાનો થેલો લઇને નીકળેલા એચ.એમ આંગડિયા પેઢીના 2 કર્મચારીઓના ટુ વ્હીલરને રોકી હતી અને દેશી બંદૂક બતાવીને આરોપીઓએ પૈસાનો થેલો લઇને બાઇક પર ફરાર થઇ ગયા હતા. ધોળા દિવસે બજારમાં લૂંટની ઘટનાની જાણ થતા ડીસા પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને પોલીસે સીસીટીવી ચેક કરવાનું શરુ કરી દીધું હતું. ડીસા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે LCB, SOG સહિતની ટીમોની મદદ લેવામાં આવી હતી. પોલીસે 250 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જ્યાંથી પોલીસને કડી મળી હતી. આ આરોપીઓ લૂંટ કરીને દિપક હોટલથી દાંતીવાડા તરફ ભાગી ગયા હોવાનું સીસીટીવીમાં દેખાતા પોલીસે એ દિશામાં તપાસ આરંભી હતી. લૂંટને અંજામ આપનારા 7 આરોપીઓ પ્રકાશ રાવળ, ભાઇલાલ રાવળ, સાગર રાવળ, પ્રેમ બારોટ, શૈલેન્દ્ર દરબાર, હિતેશ પટ્ટણી, કરણસિંહ સોલંકીને પોલીસ ટીમે ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી માલમત્તા જપ્ત કરી: ડીસા પોલીસ ટીમે પકડાયેલા શખ્સો પાસેથી 45 લાખ 75 હજાર રોકડા, દેશી હાથ બનાવટની બંદૂક તેમજ કારતુસ જપ્ત કર્યા છે. જોકે પકડાયેલા શખ્સો સિવાયના અન્ય 2 શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં સાબરમતી જેલમાં રહીને હથિયાર લાવવામાં મદદગારી કરનાર કિશોર લુહાર ઉર્ફે કે.કે ને ટ્રાન્ઝિસ્ટ વોરંટ દ્વારા પાલનપુર લવાશે, તેમજ હથિયાર વેચનારા ટીલુ તોમરને મધ્યપ્રદેશથી ઝડપી લેવા પોલીસની ટીમો કામે લાગી ગઈ છે.
આંગડિયા પેઢીના કર્મચારીઓએ રાખવું ધ્યાન: આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારીઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે. કારણ કે, રોજ જે રસ્તેથી તેઓ રોકડ રકમ લઈને નીકળે છે. તે રસ્તો તેમના માટે ક્યારેક મોતનો રસ્તો પણ બની શકે છે. કારણ કે, ઘણીવાર આ લૂંટને અંજામ આપવાનો પ્લાન કરતા આવા આરોપીઓ મહિનાઓ સુધી રેકી કરી અને ત્યારબાદ લૂંટને અંજામ આપવાનો પ્લાન ઘડતા હોય છે. ત્યારે તેઓ મોટી રકમની લૂંટ કરવા કદાચ હત્યા કરતા ન ખચકાય તે ચોક્કસ છે. આથી ધ્યાન રાખવું જરુરી છે.
આ પણ વાંચો: