ખેડા :જિલ્લામાં અસામાજીક તત્ત્વો બેફામ બની રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લિંબાસી તારાપુર રોડ પર ડાઈવર્ઝનની કામગીરી કરતી પોલીસ સાથે બબાલ કરી બેફામ અપશબ્દો બોલી ગુનાહિત ઈતિહાસ ધરાવતો મફો ભરવાડ પોલિસની ગાડીને ટક્કર મારી ભાગી ગયો હતો.જે બાદ પોલીસે પકડતા અન્ય લોકોને બોલાવી પોલિસ પર હુમલો કરી પકડેલા આરોપીઓને છોડાવી લિંબાસી પોલિસ સ્ટેશનના કર્મચારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પીએસઆઈ દેસાઈ સહિત પોલિસ કર્મીઓને પણ ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે પોલિસ દ્વારા બે ગુના દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બેફામ અપશબ્દો બોલી પોલિસ કામગીરીમાં અડચણ: લિંબાસી તારાપુર રોડ પર કામગીરી ચાલુ હોવાથી જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. જેને લઈ ભારે વાહનો રોડ પર ન જાય તે માટે લિંબાસી પોલિસ સ્ટેશનનો સ્ટાફ રોડ પર ફરજ બજાવી રહ્યો હતો.તે દરમ્યાન માતરના વલોતરી ગામનો ગુનાહિત ઈતિહાસ ધરાવતો મફો ભરવાડ પોતાની મહિન્દ્રા થાર કાર લઈને ત્યાંથી નીકળ્યો હતો.જેણે કોઈપણ કારણ વિના પોલિસ જોડે ભારે વાહનોને જવા દેવા રકઝક કરી હતી.પોલિસને બેફામ અપશબ્દો બોલી પોલિસની ફરજમાં અડચણ કરી હતી.
પોલિસની ગાડીને ટક્કર મારી ફરાર: પોલીસ સાથે બબાલ કરતા અન્ય પોલીસ કર્મચારીઓએ મફા ભરવાડને પોતાની કારમાંથી નીચે ઉતરવા જણાવ્યુ હતું, જેથી મફો ભરવાડ અપશબ્દો બોલી પોલિસની ગાડીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. પોલિસની ગાડીને ટક્કર મારતા લિંબાસી પોલિસ સ્ટેશનના પીએસઆઈ દેસાઈને પગે ઈજા પહોંચી હતી.
અન્ય લોકોને બોલાવી પોલિસ પર હુમલો : પોલીસ દ્વારા તેની કારનો પીછો કરતા તેણે પોતાની કાર વલોતરી ગામના ખેતરમાં ઉતારી દીધી હતી.જ્યાં પોલીસે મફા ભરવાડ સહિત તેની સાથેના અન્ય એક વ્યક્તિને પકડી પાડ્યો હતો.જેને લઈ આરોપી મફા ભરવાડે અન્ય આઠ દસ માણસોને લાકડીઓ લઈને બોલાવ્યા, જેમણે પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ પર હુમલો કરી ,ગામમાં આવશો તો જાનથી મારી નાખવાની' ધમકી આપી આરોપીને લઈને ભાગી ગયા હતા.
પોલિસે બે ગુના દાખલ કર્યા: ઘટના દરમિયાન પોલીસ કર્મીઓના હાથ અને પગમાં લાકડીઓ મારવામાં આવતા તેમને ઈજાઓ પહોંચી હતી. આરોપીઓ પોલીસ પકડમાં આવેલા મફા ભરવાડને છોડાવવામાં સફળ રહ્યા હતા અને પોલીસને પડકાર ફેંકી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે મફા ભરવાડ સહિત છ લોકો વિરૂદ્ધ નામજોગ તેમજ અન્ય અજાણ્યા ઈસમો વિરૂદ્ધ બે ગુના દાખલ કરી તમામને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં અલગ અલગ ટીમો સક્રિય છે : આ બાબતે ખેડા એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યુ હતું કે, "આ ઘટનામાં બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ચાર આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલમાં અલગ અલગ ટીમો સક્રિય છે.તમામ આરોપીઓને સત્વરે ઝડપી લેવામાં આવશે. વ્યવસ્થિત તપાસ કરી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.