અમદાવાદ: અમદાવાદમાં AMA ખાતે 'ધ ફોનિક્સ ઇફેક્ટ: સ્ટોરીઝ ઓફ સર્વાઇવલ, હોપ એન્ડ હીલિંગ' પર સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લક્ષ્મી ફાઉન્ડેશનના કો પાર્ટનર ડો. નવનીત કૌર હાજર રહ્યા હતા. જેમણે એસિડ એટેકને લગતી માહિતીઓ તથા એસિડ એટેકના પીડિતોના જીવન અંગેની ઘટનાઓ શેર કરી હતી. જેમાં એસિડ એટેક સર્વાઇવલ અને મૂળ ઝારખંડના પ્રિન્સ સાહુએ ભાગ લીધો હતો અને પોતાની સાથે બનેલ ઘટના રજૂ કરી હતી.
એસિડ એટેક થયો તે પહેલાં હું સુરતમાં ફ્રિલાન્સ મોડલિંગનું કામ કરતો હતો. મારા જેટલા પણ મિત્રોની કપડાંની દુકાન હતી તેમના માટે પણ હું મોડલિંગ કરતો હતો. એમાં એક મિત્રને લાગ્યું કે તેની પત્ની સાથે મારે સંબંધો છે અને આવી શંકાને આધારે તેણે મારા ચહેરા પર એસિડ ફેંક્યો. મારે લાંબો સમય સુધી આઇસીયુમાં રહેવું પડ્યું. મારા શરીરમાં કોઈ જ હલન ચલન પણ થઈ શકતી ન હતી. પણ લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા મને ખૂબ જ મદદ મળી. મારો ઈલાજ થઈ શક્યો. - પ્રિન્સ સાહુ, એસિડ એટેક સર્વાઇવલ
મારી પરિસ્થિતિ ખૂબ જ ભયજનક હતી. હું ખૂબ જ ગભરાઈ ગયો હતો. પાંચ છ મહિના તો હું ઘરની બહાર જ ન નીકળ્યો. આ દરમિયાન હું એસિડ એટેક સર્વાઇવલ લક્ષ્મીબેનની સંસ્થા સાથે જોડાયેલો હતો. આ દરમિયાન લક્ષ્મીબેનનો ફોન આવ્યો અને તેમણે મને ખૂબ સમજાવ્યો. મને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું. તેનાથી મારામાં પણ હિંમત આવી. હું હાલ દિલ્હી ખાતે ઇન્ડિગો ફ્લાઇટ કંપનીમાં ફોટોગ્રાફર તરીકેનું કામ કરું છું. તેઓએ મારા ચહેરા પર એસિડ ફેંક્યો છે, મારા સપનાં પર નહીં. - પ્રિન્સ સાહુ, એસિડ એટેક સર્વાઇવલ
પ્રિન્સ સાહુ મૂળ ઝારખંડના છે અને હાલ દિલ્હી જોબ કરે છે. આ સાથે તેમણે તાજેતરમાં હૈદરાબાદમાં યોજાયેલ રેમ્પ વોકમાં પણ ભાગ લીધો હતો.
ડો. નવનીત કૌરનું નિવેદન: આ દરમિયાન હાજર લક્ષ્મી ફાઉન્ડેશનના કો પાર્ટનર ડો. નવનીત કૌરે જણાવ્યું હતું કે સૌથી વધારે એસિડ એટેકના કેસ પશ્ચિમ બંગાળ, પંજાબ, દિલ્હી, બેંગ્લોરથી સામે આવે છે. દર વર્ષે લગભગ એસિડ એટેકના 250-300 કેસ નોંધાય છે. જેમાં ગુજરાતના માત્ર પાંચ મહિનામાં 15 એસિડ એટેક સર્વાઇવલ અમારી પાસે છે. અમારા દ્વારા દિલ્હીમાં શેલ્ટર હોમ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ એસિડ પીડિત આવીને રહી શકે છે. જેમાં અમારા દ્વારા તમામ સારવાર કોઈ પણ ખર્ચ વિના કરવામાં આવે છે. અમે તેમને જોબ મળી શકે તેવી વ્યવસ્થા પણ કરીએ છીએ.
સૌથી વધારે એસિડ એટેકના કિસ્સાઓ ગ્રામીણ વિસ્તારમાં બને છે. જેમાં મોટા ભાગે લગભગ 13 વર્ષથી લઈને 35 વર્ષની વયજૂથના સૌથી વધારે કેસ આવે છે. એસિડ એટેકના કિસ્સામાં 2 ટકા કેસોમાં લોકોના મોત થયા છે, જેમાં 1 ટકા લોકોમાં કાયમી બ્લાઈન્ડનેસ જોવા મળી છે.
સુપ્રીમ કોર્ટનો નિયમ: એસિડ હુમલાના વધતા જતા મામલાઓને જોતા સુપ્રીમ કોર્ટે 9 વર્ષ પહેલા એસિડની ખરીદી અને વેચાણને લઈને કેટલાક નિયમો બનાવ્યા હતા. પરંતુ સત્ય એ છે કે આમાંના મોટાભાગના નિયમો માત્ર કાગળ પર છે. એટલે કે પોલીસ અને અન્ય એજન્સીઓ આ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવે છે.
એસિડ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે છતાં પણ એસિડ ખુલ્લેઆમ વેચાતું જોવા મળે છે. જો લોકો ખરીદશે જ નહિ તો વેચાશે પણ નહિ. એસિડ એવો પદાર્થ છે કે જે ખૂબ સરળ રીતે અને સસ્તો મળી જાય છે. જેનાથી આ પ્રકારનો ક્રાઇમ કરવાનો જલદીથી આરોપીઓને આઇડિયા મળી જતો હોય છે. જેથી આ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ. જે લોકો પાસે લાયસન્સ છે તે લોકો જ એસિડ વેચી શકે છે, જો તમારી આસપાસ પણ એવા લોકો હોય કે જે ગેરકાયદેસર એસિડ વેચી રહ્યા છે તો તમારે પોલીસને જાણ કરવી જોઈએ.