સુરત: જિલ્લામાં રસ્તા પર અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યાં. યમરાજના વાહનો સમા ડમ્પર એક પછી નિર્દોષ લોકોના ભોગ લઈ રહ્યાં છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતાં ડમ્પરે સ્કૂલ જઈ રહેલા બાઈકને અડફેટે લીધું હતું. જેમાં પિતાનો બચાવ થયો હતો. જ્યારે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જેથી લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.
પાછલા ટાયરમાં વિદ્યાર્થી આવ્યો: ડિંડોલીમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. સ્કૂલ જતા વિદ્યાર્થીને સાંઈ પોઇન્ટથી નવાગામ જતા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર પિતા-પુત્ર બંન્ને સાથે જઈ રહ્યા હતાં. ડમ્પર ચાલકે પાછલા ટાયરમાં અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. પિતા તુકારામનો ચમત્કારીક બચાવ થયો હતો.
પરિવાર શોકમાં ગરકાવ: લિંબાયત નીલગીરીની સાર્વજનિક સ્કૂલમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. 15 વર્ષિય સાહિલ તુકારામ નાયક નામનો વિદ્યાર્થી સાર્વજનિક સ્કૂલના મરાઠી માધ્યમ ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ઈમરજન્સી સેવા 108 ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. ડમ્પર ચાલકને સ્થાનિક લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો હતો. બીજી તરફ પરિવારે સંતાન ગુમાવતા પરિવાર શોકનો માહોલ ફેલાયો હતો.