અમરેલી: સામાન્ય રીતે લોકો જન્મદિવસની ઉજવણી અલગ અલગ રીતે કરતા હોય છે, ઘણા લોકો આજના યુગમાં જન્મદિવસની ઉજવણી પાછળ ઘણા પૈસા ખર્ચ નાખતા હોય છે. પરંતુ અમરેલી શહેરમાં રહેતા જય કાથરોટીયા નામના યુવાને કંઈક અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
જન્મદિવસની ઉજવણી: MSCનો અભ્યાસ ધરાવતા 24 વર્ષીય જય કાથરોટીયા નામના યુવાને પોતાના જન્મદિવસની ઉજવણી એવી રીતે કરી કે, લોકો તેની પ્રશંસા કરી રહ્યાં છે. જય હાલ એક ખાનગી શાળા ચલાવી રહ્યા છે. જયે જણાવ્યું કે તેના 24 વર્ષ પૂર્ણ થયા અને 25માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે પોતાના જન્મદિવસની ઉજવણી અમરેલી શહેરની બહેરા-મૂંગા શાળા ખાતે કરી હતી.
શહેરની બહેરા-મૂંગા શાળાને આપી ટેકનિકલ લેબની ભેટ: જયે અમરેલી શહેરની શ્રીમતી તાપીબેન મોહનલાલ રૂગનાથ મહેતા બહેરા-મૂંગા શાળાને ટેકનિકલ લેબ અર્પણ કરી છે, આ ટેકનિકલ લેબથી વિદ્યાર્થીઓ રોબટિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી અલગ-અલગ વસ્તુઓ બનાવવાનું અને ઓપરેટ કરવાનું શીખશે. આગામી સમયમાં બહેરા અને મૂંગા બાળકો આગળ વધે અને રોજગારી મેળવી શકશે જે હેતુથી જય કાથરોટીયાએ આ ટેકનિકલ લેબ શાળાને અર્પણ કરી હતી.
બહેરા-મૂંગા લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના: અમરેલીની બહેરા-મૂંગા શાળા ખાતે અર્પણ કરવામાં આવેલી ટેકનીકલ લેબમાં અલગ-અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પણ ઉપલબ્ધ કરાવાયા છે, જેમાં થ્રીડી પ્રિન્ટર તેમજ ઇલેક્ટ્રોનિક્સનો સામાન, કેબલ તેમજ અન્ય વસ્તુઓ વસાવવામાં આવી છે, જેનો ખર્ચ 45 થી 50 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે, આ ઉપરાંત આગામી સમયમાં હજુ ફર્નિચર તેમજ ટેક્નિશિયન માટેનો ખર્ચ પણ કરવામાં આવશે તેવો પણ પ્રયાસ છે.
ગયા વર્ષે ચાર્ટર્ડ પ્લેનમાં બેસાડ્યા હતાં બાળકોને: જય કાથરોટીયા એ જણાવ્યું કે, ગયા વર્ષે પોતાના જન્મદિવસની પણ અનોખી રીતે ઉજવણી કરી હતી. ત્યારે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા 12 જેટલા બાળકોને ચાર્ટર્ડ પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા, અને પોતે ચાર્ટર્ડ પ્લેન બુક કર્યું હતું અને 1200 ફુટની ઊંચાઈએ કેક કાપી અને ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર રહેતા બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી હતી. દર વર્ષે જય અલગ-અલગ રીતે પોતાના જન્મદિવલની ઉજવણી કરે છે.
જય કાથરોટીયાની ઈચ્છા: જય કાથરોટીયા જણાવે છે કે, તેની ઈચ્છા ભવિષ્યમાં ટેકનિશિયન બનીને અને બહેરા મૂંગા વ્યક્તિઓને આધુનિક યુગ અનુરૂપ શૈક્ષણિક જ્ઞાન આપવાનું અને તેમને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવવાનો છે.