અમદાવાદઃ અમદાવાદના શાકમાર્કેટના ઉદ્ઘાટન કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. જ્યાં ઘણાને કેટલાક નિર્ણયોમાં કઠોર અને કડવા લાગતા અમિત શાહ અમદાવાદના એક શાક માર્કેટમાં શાકભાજી વેચતી મહિલા પાસેથી કારેલાની ખરીદી કરતા અને ત્યાં હાજર એક નાનકડી દીકરીના માવતરને ભણતરની કિંમત સમજાવતા જોવા મળ્યા હતા. કેવો હતો ગૃહમંત્રી અમિત શાહનો અંદાજ આવો જાણીએ....
કેટલામાં ખરીદ્યા અમિત શાહે કારેલા?
અમદાવાદના ગોતા વિસ્તારમાં નવનિર્મિત શાકભાજી માર્કેટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુવારે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક કક્ષાએ લારીઓ પર છૂટક ધંધો કરતા કેટલાક લારીવાળાઓને આ માર્કેટમાં સ્થાયી સ્થાન મળ્યું હતું. સતત કોર્પોરેશનની દબાણ ટીમ સાથે થતી માથાકુટોથી તેમને રાહત મળતા તેમનામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમિત શાહે આ દરમિયાન અહીં એક લારીવાળા બહેન પાસેથી કારેલાની ખરીદી કરી હતી. જે સમયે તેમની સાથે રહેલા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શાહની ખરીદી પર કારેલાના કિંમત માટે મહિલાને રૂપિયા 500ની નોટ આપી હતી. જોકે આ મહિલાએ પણ કારેલાના ભાવથી પૈસા પરત કરવાની તૈયારી બતાવી પરંતુ તેમણે બાકીના રૂપિયા તુરંત તેમને ભેટ સ્વરૂપે આપ્યા હોય તે રીતે ત્યાંથી આગળ વધી ગયા હતા.
વજન ઓછું પડ્યું તો શું કર્યું?
એક તરફ તોલમાપમાં પણ તેઓની જરા પણ ચલાવી ના લેવાની તેમની છબી અહીં પણ જોવા મળી હતી. તેમણે જ્યારે કારેલા શાક માર્કેટમાંથી ખરીદ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં પડેલા તમામ કારેલા ત્રાજવામાં મુક્યા પછી પણ એક કિલો પુરું વજન થતું નથી. એક સામાન્ય વજન ખુટી રહ્યું છે પરંતુ તેમણે ત્યાં ચલાવી લીધું નહીં અને તુરંત તેની બાજુમાં પડેલા ભીંડા ઉઠાવી ત્રાજવામાં મુકી વજન એક કિલો વજન પુરું કર્યું હતું. આમ જરા પણ ચલાવી નહીં લેવાની તેમની પ્રકૃતિ અહીં શાક માર્કેટમાં પણ જોવા મળી હતી.