અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાના એક મહત્વના વિભાગ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ધરમશી દેસાઇએ એએમટીએસ બજેટને લઇને કેટલીક મહત્ત્વની બાબતો જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં 1947થી 112 બસો અને 38 રૂટ સાથે શરૂ કરવામાં આવેલ જેનો વ્યાપ આજે વધીને દૈનિક અંદાજીત 728 બસો અને 139 ઓપરેશનલ રૂટોથી આ શહેરની પ્રજાને જાહેર પરિવહન સેવા પુરી પાડે છે. અમદાવાદ શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં ઔડાના ગામો જેવા કે નૈનપુર ચોકડી, બારેજડી, બાકરોલ, સાણંદ, મટોડા પાટીયા, સાઉથ બોપલ, શેલા, મોટી ભોયણ, થોળ, ત્રિમંદિર, વહેલાલ ગામ, ડભોડા ગામ વિગેરે ગામડાઓમાં પણ એએમટીએસની બસ સુવિધા આપવામાં આવે છે.
સુધારા સાથેનું બજેટ મંજૂર : વર્ષ 2024-25 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરશ્રી દ્વારા રજુ કરવામાં આવેલ કુલ બજેટ 641.50 કરોડમાં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા નીચે દર્શાવેલ 32 કરોડના સુધારા સાથેનું રૂા.673.50 કરોડનું કુલ બજેટ મંજૂર કરવામાં આવેલ છે.
1078 બસો રોડ પર સંચાલનમાં મુકાશે : આવનાર દિવસોમાં એએમટીએસ પરિવહન સેવાનો વ્યાપ વધારીને સામાન્ય દિવસોમાં જાહેર રજાઓ સિવાય કુલ 1111 બસોના ફલીટ સામે કુલ ફલીટના 97 ટકા એટલે કે 1078 બસો રોડ પર સંચાલનમાં મુકી શહેરીજનોને વધુમાં વધુ કાર્યક્ષમ સેવા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
પાસ સુવિધાઓનો ખર્ચ નિભાવાય છે : વધુમાં જણાવાયું હતું કે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેઓની વિધવાઓ, પ્રજ્ઞાચક્ષુઓ, પ્રેસ રીપોર્ટરશ્રીઓ, માન્ય યુનિયનના પ્રતિનિધિશ્રીઓ, વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધો તેમજ ૬૫ વર્ષ થી વધુ ઉંમરના સીનીયર સીટીઝનો, મૂકબધીર વ્યકિતઓને મફત મુસાફરીના પાસ આપવામાં આવે છે. આમ આર્થિક નુકશાન સહન કરીને પણ આ સંસ્થા સમાજ પ્રત્યેનું દાયિત્વ નિભાવે છે. અ.મ્યુ.ટ્રા.સ.નો વહીવટ કરકસરયુકત રીતે કરવામાં આવે છે. પરંતુ શહેરના નાગરિકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને છેવાડા સુધીના વિસ્તારોમાં સસ્તી અને કિફાયતી બસ સેવા આપવા માટે ઓછી આવક કરતા રૂટો સંચાલિત કરીને પણ પ્રવાસીઓને આ બસ સેવા પુરી પાડવામાં આવે છે. જેના કારણે સંસ્થાને નુકશાન ભોગવવું પડે છે.
બજેટના અંશ અમદાવાદ શહેર તથા ઔડા વિસ્તારમાંથી જુદા-જુદા વિસ્તારોમાં નવા રૂટો શરૂ કરવામાં આવતી માંગણીઓને ધ્યાનમાં લેતાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા સૂચવેલ કુલ 1052 બસના ફલીટમાં વધુ 59 નવી ઇલેકટ્રીક બસો ગ્રોસ કોસ્ટ કીલોમીટર થી મેળવીને ફલીટની સંખ્યા કુલ 1111 કરવાનું ઠરાવવામાં આવે છે. હાલમાં અ.મ્યુ.કો.ની લીમીટથી 15 કી.મી. સુધી બસ સેવા આપવામાં આવે છે. તેમાં શહેરના વધેલ વિસ્તારને ધ્યાનમાં લઇને મ્યુ.લીમીટથી 20 કી.મી. સુધી બસ સેવા આપવાનું ઠરાવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોન પ્રમાણે એસ.એસ.ના ડેકોરેટીવ શેલ્ટર તૈયાર કરાવવાનું ઠરાવવામાં આવે છે. આ માટે રૂા. 35 લાખ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. અ.મ્યુ.ટ્રા.સ.ના તમામ ડેપો- ટર્મિનસોમાં સ્માર્ટ કાર્ડ હોલ્ડરોને વાઇફાઇની સુવિધા આપવાનું ઠરાવવામાં આવે છે. આ માટે રૂા.5 લાખ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. સારંગપુર ટર્મિનસને હેરિટેજ લુક આપી લાલદરવાજાની જેમ ડેવલપ કરવાનું ઠરાવવામાં આવે છે. આ માટે રૂા. 60 લાખ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ડેપો તથા ટર્મિનસો ઉપર કોમર્શિયલ ધોરણે વિકાસ કરી વધારાની આવક ઉભી કરવા અંગેનું આયોજન કરવાનું ઠરાવવામાં આવે છે |