અંબાજી:વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. માઈભક્તો પગપાળા માં અંબાના દર્શન માટે આવી રહ્યા છે, તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસ. ટી. નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘેર ગુજરાત એસ. ટી. નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે. દૂર સુદૂર થી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મુકવામાં આવી છે. યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે.
અંદાજે ૧૨૫૦ જેટલી બસો કાર્યરત: વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસ. ટી. તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતાં વિભાગીય નિયામક કે.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે, તા.૧૨ સપ્ટેમ્બર થી ૧૮ મી સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા, હિમંતનગર અને અમદાવાદ એમ ૪ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. અંદાજે ૧૨૫૦ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ૨૪ કલાક એસ..ટી વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. આ માટે અલગ-અલગ ૧૨ બુથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એસ. ટી. વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈપણ પણ તકલીફ ના પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
ભાવિકોએ કરી એસટી વિભાગની પ્રશંસા: દાહોદ જિલ્લાના ગરબડાના રહેવાસી યાત્રાળુ રક્ષાબેને જણાવ્યું હતું કે હું માં અબેના દર્શન કરવા અને ગબ્બરના દર્શન માટે આવી છું. અહી આવતા યાત્રાળુઓ માટે એસટી વિભાગ દ્વારા સારી સુવિધાઓ કરવામાં આવી છે એ બદલ હું સરકારનો આભાર માનું છું. માં અંબેના દર્શનાર્થી મનીષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, મંદિરમાં ના દર્શન પછી એસટી વિભાગની સેવાઓ યાત્રાળુઓ માટે મૂકી છે, એ માટે હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું. જોકે આણંદ જિલ્લાના લાલપુર ગામના શ્રદ્ધાળુ પઢિયારે જણાવ્યું કે, અંબાજી મેળામાં એસટી વિભાગની સારી સેવા આપી રહી છે તે બદલ હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું.
ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાત ભરમાથી આવતા શ્રદ્ધાળુઓ માટે એસટી બસ સેવા અવિરત પણે ચાલુ કરાઈ છે, અને કોઈ યાત્રાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને બસોનું આવનજાવન સતત ચાલુ રહે તે માટે અલગ-અલગ બુથો દ્વારા બસોનું નિયમિત સંચાલન કરવામાં આવી રહ્યું છે, બસોનો લાભ લેનાર યાત્રાળુઓ પણ બસોના સંચાલન કરતા વહીવટી તંત્રના અધિકારીઓનો આભાર માન્યો હતો.