અંબાજીઃ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર વરુણકુમાર બરનવાલના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી ખાતેથી અંબિકા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા ચોક્કસથી તમામ મહાન અનુભવોનું ખેસ પહેરાવી સ્વાગત પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અંબાજીથી પ્રસ્થાન થયેલ રથ ઉંઝા તરફ જશે. પ્રથમ રૂટ અંબાજીથી ઉંઝા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.
અંબિકા રથની કામગીરીઃ અંબિકા રથ મારફત વિવિધ ધાર્મિક પ્રચાર પ્રસાર અને ભાદરવી પૂનમીયા સંઘ, અંબિકા અન્નક્ષેત્ર, ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તળેટી સંપૂર્ણ પરિક્રમા સંઘની નોંધણી કરવામાં આવશે. આ રથ દ્વારા ભાદરવી પૂનમીયા સંઘ મારફત વિવિધ ઝોનમાં તેમજ એક યાત્રાધામથી બીજા યાત્રાધામને સાંકળવામાં આવશે. અંબિકા રથમાં વર્ચ્યૂઅલ રિયાલિટીથી અંબાજી મંદિરના દર્શન કરી શકાશે. અંબિકા રથ એલ.ઈ.ડી., પી એ સિસ્ટમ, જી.પી.એસ, વગેરે સુવિધાઓથી સજ્જ છે. ભાદરવી પૂનમીયા સંઘ દ્વારા પ્રથમ રૂટ અંબાજી થી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધીનો આયોજિત કરેલ છે.
દાંતા રાજવી પરિવારે અંબિકા રથ આવકાર્યોઃ અંબાજીથી પ્રસ્થાન થયેલ અંબિકા રથને દાંતા રાજવી પરિવાર દ્વારા આવકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વિવિધ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરનવાલ, અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા, ભાદરવી પૂનમિયા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ભોગીભાઈ પટેલ, પ્રમુખ રમેશ પટેલ, જલીયાણ સેવા કેમ્પના હિતેશ ઠક્કર, મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજથી આ અંબિકા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. જેમ ભાદરવી પૂનમિયા સંઘ કે જેમાં ભાદરવી મેળા દરમિયાન વિવિધ ગામેગામથી સંઘો આવતા હોય છે તે જ પ્રકારે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે પણ ગામેગામ સંઘોની સ્થાપના થાય તે હેતુથી પણ આ રથ ગામેગામ જઈ લોકો સુધી પહોંચી અને સંઘોની નોંધણી અને સ્થાપના કરવામાં આવશે. સાથે જ જે ગામના લોકો ઘરડા અને વિકલાંગ છે તે અંબાજી આવી નથી શકતા તેમની માટે વર્ચ્યૂઅલ ટેકનોલોજીના માધ્યમથી મા અંબાના દર્શન કરાવવામાં આવશે...વરુણકુમાર બરનવાલ (કલેકટર, બનાસકાંઠા)