જૂનાગઢઃ અમરનાથ યાત્રા 2024 માટે યાત્રિકોની સંખ્યામાં કેન્દ્ર સરકારે ખૂબ મોટો ઘટાડો કર્યો છે. જેને કારણે જૂનાગઢના અમરનાથ યાત્રીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉના વર્ષોમાં બાલતાલ અને પહેલગાંવ માંથી 25-25 યાત્રિકોની બેચને અમરનાથ યાત્રા માટે જવાની મંજૂરી આપવામાં આવતી હતી. તેથી કુલ 50 યાત્રિકો ફી ચૂકવીને અમરનાથ યાત્રા કરી શકતા હતા પરંતુ કેન્દ્ર સરકારે યાત્રિકોની સંખ્યામાં માત્ર 8 કરી દેતા અમરનાથ યાત્રિકોને તકલીફ પડી રહી છે.
જૂનાગઢના અમરનાથ યાત્રિકો ઘટશેઃ અમરનાથ યાત્રા માટે દરવર્ષે જૂનાગઢમાંથી વિવિધ ગ્રુપમાં લગભગ 500 વ્યક્તિઓ જતા હોય છે. જો કે સરકારના રજિસ્ટ્રેશનમાં વ્યક્તિઓ ઘટાડવાના નિર્ણયને પગલે હવે જૂનાગઢ જિલ્લામાંથી અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પણ ચોક્કસપણે ઘટાડો થઈ શકે છે. જે લોકો સંઘમાં અને ગ્રુપમાં યાત્રા કરવા માંગે છે તેવા લોકો જૂનાગઢની પાડોશમાં આવેલા પોરબંદર અમરેલી અને અન્ય જિલ્લામાં પ્રતિ દિવસના 4 યાત્રિકોના કોટાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.
બેંક દ્વારા રજિસ્ટ્રેશનઃ પંજાબ નેશનલ બેંક દ્વારા અગાઉ પ્રતિ દિવસ 50 વ્યક્તિઓનું 50 રૂપિયાની નોંધણી ફી સાથે રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું. આ ફીમાં 100 રૂપિયાનો વધારો કરીને નોંધણી ફી 150 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે યાત્રિકોની સંખ્યા બંને સ્થળોથી 25-25 હતી તેમાં 21નો ઘટાડો કરીને માત્ર 4 કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે પંજાબ નેશનલ બેંકના અધિકારીઓ કશું કહેવા તૈયાર નથી માત્ર સરકારમાંથી આવેલી ગાઈડલાઈનનો તેઓ અમલ કરી રહ્યા છે.
અગાઉના વર્ષોમાં બાલતાલ અને પહેલગાંવ માંથી 25-25 યાત્રિકોની બેચને અમરનાથ યાત્રા માટે જવાની મંજૂરી આપવામાં આવતી હતી. જે હવે માત્ર 4 કરી દેવાઈ છે. જૂનાગઢ જિલ્લામાંથી જે લોકો સંઘમાં અને ગ્રુપમાં યાત્રા કરવા માંગે છે તેવા લોકો જૂનાગઢની પાડોશમાં આવેલા પોરબંદર અમરેલી અને અન્ય જિલ્લામાં પ્રતિ દિવસના 4 યાત્રિકોના કોટાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અમારી સરકારને અપીલ છે કે યાત્રિકોની સંખ્યાના રજિસ્ટ્રેશનમાં વધારો કરે...હર્ષદભાઈ મંકોડી (અમરનાથ યાત્રી, જૂનાગઢ)