જુનાગઢ: આવતી કાલે લોકસભાની સામાન્ય ચૂંટણી બાદ મતગણતરી થવા જઈ રહી છે, જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જુનાગઢ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા મતગણતરીને લઈને તમામ વિગતો આપવામાં આવી છે.
સવારે 8:00 વાગ્યાથી મત ગણના શરુ થશે: સુરક્ષાને લઈને ત્રણ સતરીય બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, સાથે સાથે મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિને મોબાઇલ સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સિવાય કાઉન્ટિંગ સેન્ટરમાં પણ મોબાઈલને સંપૂર્ણ પણે પ્રતિબંધિત કરાયો છે. વહેલી સવારે પાંચ વાગે મત ગણતરીને લઈને અંતિમ તબક્કાનું રેન્ડેમાઈઝેશન શરૂ કરવામાં આવશે, ત્યારબાદ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સવારે 8:00 વાગ્યે 13 જુનાગઢ લોકસભા બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં જુનાગઢ માંગરોળ અને વિસાવદર વિધાનસભાની ગણતરી ગ્રાઉન્ડ ફ્લોર પર અને સોમનાથ તાલાલા કોડીનાર અને ઉના વિધાનસભાની મત ગણતરી કૃષિ ઇજનેરી કોલેજના પ્રથમ માળે હાથ ધરાશે તમામ પોસ્ટલ બેલેટ પત્રોની ગણતરી ગ્રાઉન્ડ ફ્લોર પર હાથ ધરવામાં આવશે.
જિલ્લા કલેકટરે આપી વિગતો: આવતી કાલની મતગણતરીને લઈને જિલ્લા કલેકટરે વિગતો આપી છે, તે મુજબ 18 કાઉન્ટિંગ સુપરવાઇઝર 18 કાઉન્ટિંગ મદદનીશ અને 18 માઇક્રો ઓબ્ઝર્વર ની નિમણૂક કરવામાં આવી છે. 30 કાઉન્ટિંગ સુપરવાઇઝર 60 કાઉન્ટિંગ મદદની અને 30 માઇક્રો ઓબ્ઝર્વર ની હાજરીમાં પોસ્ટલ બેલેટ ની મતગણતરી શરૂ થશે. તમામ વિધાનસભા બેઠકમાં કુલ 670 જેટલા રાજકીય પાર્ટીના કાઉન્ટિંગ એજન્ટો માટેની પણ વ્યવસ્થા કરાઈ છે.
કયાં કેટલા રાઉન્ડની મત ગણતરી થશે: આવતી કાલે મત ગણતરી હાથ ધરાવા જઈ રહી છે, તેમાં જુનાગઢ અને વિસાવદર વિધાનસભા બેઠકમાં 21 રાઉન્ડ માંગરોળમાં 17 સોમનાથ અને તાલાલામાં 19 કોડીનારમાં 18 અને ઉનામાં 20 રાઉન્ડની મતગણતરી હાથ ધરાશે, ત્યારબાદ વિજેતા ઉમેદવારની જાહેરાત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે.