વડોદરા: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (એસ.જી.એસ.યુ.) ખાતે આગામી 22મી જૂનથી 7મી જુલાઈ 2024 દરમિયાન એ.આઈ.એફ.એફ.ની સિનિયર મેન્સ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપ યોજાશે. ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થઈ રહેલી આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 19 જેટલી ટીમ ભાગ લેશે. ગુજરાતમાંથી બરોડા ફૂટબોલ એકેડમીની ટીમ પણ 2023માં જીએસએફએ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં વિજેતા બનવાની રૂએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.
ડાયરેક્ટ એન્ટ્રીઃ દેશના 15 સ્ટેટ એસોશિયેશન દ્વારા પોતપોતાની ટીમને નોમિનેટ કરાઈ છે, જ્યારે ગત વર્ષની હીરો ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપની 4 સેમી-ફાઈનલિસ્ટ ટીમને (દિલ્હી ફૂટબોલ ક્લબ, મોહંમદન સ્પોર્ટિંગ ક્લબ, મિનરવા એકેડમી એફસી, ઈલેક્ટ્રિક વેંગ ફુટસાલ ક્લબ) ડાયરેક્ટ એન્ટ્રી અપાઈ છે. આ ટુર્નામેન્ટ લીગ કમ નોક-આઉટ રાઈન્ડ ફોર્મેટના આધારે રમાશે જેમાં તમામ ચાર ગ્રુપની વિજેતા ટીમો સેમી-ફાઈનલમાં પ્રવેશ કરશે. આ ટૂર્નામેન્ટની બંને સેમી-ફાઈનલની વિજેતા ટીમો આગામી 7મી જુલાઈના રોજ ફાઈનલમાં ટકરાશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના (જી.એસ.એફ.એ.) પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ફુટસલ ચેમ્પિયનશીપ જેવી આ ટૂર્નામેન્ટને ગુજરાતમાં લઈ આવવા અંગે જી.એસ.એફ.એ. ગૌરવ અનુભવે છે. ગત વર્ષે અમદાવાદમાં ઈન્ડિયન વિમેન લીગનું જી.એસ.એફ.એ. દ્વારા સફળતાપૂર્વક આયોજન થઈ ચૂક્યું છે. ફુટસલ માટે આદર્શ રીતે અનુકૂળ એવા 60x40 ફીટનો વુડન ફ્લોર ધરાવતા નવનિર્મિત ઈન્ડોર હોલ તેમજ અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડવા બદલ એસ.જી.એસ.યુ.ના ઉપ કુલપતિ, ડો. અર્જુનસિંહ રાણાનો ખાસ આભાર માન્યો હતો.
ટુર્નામેન્ટના ગ્રુપઃ
ગ્રુપ A: મિલ્લત એફ.સી., સ્પોર્ટ્સ ઓડિશા, ક્લાસિક ફૂટબોલ એકેડમી, કોર્બેટ એફ.સી., મોહંમદન એફ.સી.
ગ્રુપ B: ઈલેક્ટ્રિક વેંગ ફુટસલ ક્લબ, બેંગ્લોર એસોઝ એફ.સી., સતવીર ફૂટબોલ ક્લબ, ગોલ હન્ટર્ઝ એફ.સી., મિનરવા એકેડમી એફ.સી.
ગ્રુપ C: બરોડા ફૂટબોલ એકેડમી, એફસી થ્રિસ્ટિયર, સ્પીડ ફોર્સ એફ.સી., ગુવાહાટી સિટી એફ.સી., એમ્બેલિમ સ્પોર્ટ્સ ક્લબ
ગ્રુપ D: જેસીટી ફૂટબોલ એકેડમી, ગોલાઝો ફૂટબોલ ક્લબ, કાસા બર્વાની સોકર, દિલ્હી એફ.સી.